Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઘોર બેદરકારીઃ નિરવકાંડની ITને અગાઉથી જાણ હતી પણ કાર્યવાહી ન થઈ

સનસનિખેજ ખુલાસોઃ પંજાબ નેશનલ બેંક સાથેનું ૧૩૫૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા પહેલા ૮ મહિના અગાઉ આયકર વિભાગને ગોલમાલની ખબર પડી ગઈ હતી પરંતુ કોઈ એજન્સીને જણાવ્યુ ન હતું: આયકર વિભાગે ૮ મહિના પહેલા ૧૦,૦૦૦ પાનાનો તપાસ રીપોર્ટ ૮ જૂન ૨૦૧૭ના રોજ તૈયાર કર્યો હતો જેમાં નિરવ-મેહુલના કાળા કરતુતોની સ્ફોટક વિગતો હતી

નવી દિલ્હી, તા. ૩ :. હીરાના વેપારી નિરવ મોદીએ ભારત છોડયા બાદ એક મોટો ખુલાસો થયો છે. એક મહત્વપૂર્ણ આયકર તપાસ રીપોર્ટમાં ખુલાસો થયો છે કે નિરવ મોદીનો ગોટાળો બહાર આવ્યો તે પહેલા જ આયકર વિભાગે કૌભાંડનો ખુલાસો કર્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. નિરવ મોદી દ્વારા ખોટી ખરીદી, સ્ટોકને વધારીને રજૂ કરવો, સંબંધીઓને શંકાસ્પદ ચૂકવણુ અને શંકાસ્પદ લોનને લઈને આયકર વિભાગે ચેતવણી પણ આપી હતી અને નિરવના કૌભાંડને લઈને એક રીપોર્ટ પણ શેયર કર્યો હતો. નિરવ મોદી-પીએનબી કૌભાંડ બહાર આવ્યા પહેલા જ આયકર વિભાગે પોતાના તપાસ રીપોર્ટમાં અનિયમીતતાની જાણ કરી હતી.

આ ચેતવણી એજન્સીએ નિરવ મોદીએ પીએનબીએ બુચ માર્યુ તેના ૮ મહિના પહેલા આપી હતી. મહત્વની વાત એ છે કે, આ મહત્વપૂર્ણ આયકર તપાસ રીપોર્ટને કોઈ બીજી એજન્સી સાથે શેયર કરવામાં આવ્યો ન હતો. આયકર વિભાગે ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદી અને મેહુલ ચોકસી પર ૧૦,૦૦૦ પાનાના આયકર તપાસ રીપોર્ટને ૮ જુન ૨૦૧૭ના રોજ અંતિમ સ્વરૂપ આપેલ. પરંતુ આ રીપોર્ટને અન્ય બીજી તપાસ એજન્સી, ગંભીર છેતરપીંડી કાર્યાલય, સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈ સાથે ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી શેયર કરેલ નહોતો કે જ્યાં સુધી પંજાબ નેશનલ બેંક કૌભાંડ બહાર ન આવ્યું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ફેબ્રુઆરી ૨૦૧૮ પહેલા કર વિભાગે પ્રાદેશિક, આર્થિક ગુપ્તચર પરિષદ એટલે કે આરઈઆઈસી સાથે આ રીપોર્ટને શેયર કર્યો ન હતો. આ સંસ્થા વિવિધ કાનૂન એજન્સીઓ વચ્ચે માહિતી શેયર કરવાનું એક તંત્ર છે.

અત્રે નોંધનીય છે કે નિરવ અને મેહુલ ચોકસી અને તેની ૩ કંપનીઓ ડાયમંડ આરયુએસ, સોલાર નિકાસ અને તારકીય ડાયમંડસ પર પંજાબ નેશનલ બેંકમાંથી ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનું બુચ મારવાનો આરોપ છે. બન્નેએ જાન્યુઆરી ૨૦૧૮ પહેલાના સપ્તાહમાં એટલે કે ગોટાળો બહાર આવ્યો તેના કેટલાક સમય પહેલા જ ભારત છોડી દીધુ હતું.

આયકર વિભાગે ૧૪ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મોદીની કંપનીઓની તપાસ કરી હતી. આ સિવાય તેના મામા ચોકસીની કંપનીઓનો પણ સર્વે કર્યો હતો. આ દરોડા દેશભરમાં કુલ ૪૫ જગ્યાએ પડયા હતા. આયકર વિભાગનું કહેવુ છે કે, આ રીપોર્ટ બીજી એજન્સીઓ સાથે એટલા માટે શેયર કરવામાં નહોતો આવ્યો કે એ વખતે એ રીપોર્ટ શેયર કરવા માટે કોઈ પ્રોટોકોલ નહોતો. અધિકારીએ કહ્યુ હતુ કે નિરવ અને મેહુલના કૌભાંડ બાદ જુલાઈ-ઓગષ્ટ ૨૦૧૮થી આયકર વિભાગને તમામ અપ્રેઝલ રીપોર્ટસ નાણાકીય ઈન્ટેલીજન્સ યુનિટને શેયર કરવા જણાવાયુ હતું.(૨-૨)

 

(9:56 am IST)