Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

બધા માટે આવાસ યોજનાનું લક્ષ્ય ૨૦૨૦માં જ પૂર્ણ થશે

બે વર્ષ પહેલા જ તમામને આવાસ મળી જશે : વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજનાને નિર્ધારિત સમય કરતા બે વર્ષ પૂર્વે પૂર્ણ કરાશે : મહિને ત્રણ લાખ મકાનો

અગરતલા, તા. ૨ : કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ પ્રધાન હરદીપસિંહ પુરીએ આજે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાના ટાર્ગેટને ૨૦૨૨ રાખવામાં આવ્યો છે પરંતુ આ ટાર્ગેટને બે વર્ષ પહેલા પૂર્ણ કરવાની યોજના છે. એટલે કે તમામ માટે ઘરની યોજનાને ૨૦૨૦ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. હરદીપસિંહે કહ્યું હતું કે, નિર્ધારિત સમય કરતા બે વર્ષ પહેલા તમામ લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કટિબદ્ધ છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, દરેક ત્રણ મહિનામાં કેટલીક આવાસ યોજનાઓને મંજુરી આપવામાં આવી રહી છે. પીએમએવાય હેઠળ યોજનાઓનું સંચાલન વધુ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. પુરીએ કહ્યું હતું કે, તમામ માટે ઘર યોજનાને ૨૦૨૨ સુધી પૂર્ણ કરવાના બદલે ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધી તેને પૂર્ણ કરવામાં આવશે. રાષ્ટ્રીય શહેરી આવાસ ભંડોળ હેઠળ પીએમએવાય માટે ખાસ કરીને વધારાના બજેટ સંશાધનના સ્વરુપમાં ૬૦૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પુરીએ કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ખુબ સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે. દર મહિને બેથી ત્રણ લાખ ઘરોને મંજુરી આપવામાં આવી રહી છે. દેશમાં આશરે ૧.૨ કરોડ ઘરોની કમીને પૂર્ણ કરવા માટે અને તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. વડાપ્રધાન મોદીએ આ પહેલા જાહેરાત કરી હતી કે, ૨૦૨૨માં દેશની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ મનાવવામાં આવનાર છે. આવાસ યોજના હેઠળ દેશના તમામ પરિવારોની પાસે પોતાનું ઘર રહેશે. પૂર્વોત્તરના આઠ રાજ્યોમાં કેન્દ્રીય યોજના અને શહેરી કાર્ય મંત્રાલયના પાંચ મુખ્ય કાર્યક્રમોના અમલીકરણની સમીક્ષા કર્યા બાદ પુરીએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં પૂર્વોત્તરના રાજ્યોમાં પીએમએવાય હેઠળ શહેરી ગરીબો માટે ૨.૩ લાખ નવા ઘરને મંજુરી આપવામાં આવશે. ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવે પણ સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. સરકારે સ્માર્ટ સિટી યોજનાના અમલીકરણ માટે એશિયન વિકાસ બેંક પાસેથી ૪૦૦ કરોડ રૂપિયાની લોનની માંગ કરી છે. બે દિવસીય સમીક્ષા બેઠકમાં પૂર્વોત્તરના રાજ્યોના મંત્રી, ટોચના અધિકારી અને કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. આવાસ યોજનાને જુદા જુદા રાજ્યોમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પુરીના કહેવા મુજબ યોજનાને વહેલીતકે પૂર્ણ કરવામાં આવશે. આવાસની યોજનાને ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં ઝડપથી આગળ વધારાઈ છે.

(12:00 am IST)