Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

સગીર વિરૂધ્‍ધ જાતીય ગુનાની જાણ હોવા છતાં તેને જાહેર ન કરવી એ ગંભીર ગુનો છેઃ સુપ્રીમ કોર્ટ

પોસ્‍કો અધિનિયમ હેઠળ ગુનાઓ અંગે તાત્‍કાલિક અને યોગ્‍ય સંજ્ઞાન લેવું અત્‍યંત મહત્‍વનું છે

નવી દિલ્‍હી તા. ૩ : સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે જાણકરી હોવા છતાં સગીર સાથે થયેલા જાતીય ગુનાની જાણ ન કરવી એ ગંભીર ગુનો છે અને તે અપરાધીઓને બચાવવાનો સીધો પ્રયાસ છે. સર્વોચ્‍ચ અદાલતે કહ્યું કે પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સ (PACSO) એક્‍ટ હેઠળ અપરાધોની ત્‍વરિત અને યોગ્‍ય સંજ્ઞાન લેવી અત્‍યંત મહત્ત્વપૂર્ણ છે. જો આ કરવામાં નહીં આવે, તો તે કાયદાના હેતુને નિષ્‍ફળ કરશે. આ સાથે, સર્વોચ્‍ચ અદાલતે બોમ્‍બે હાઈકોર્ટના ગયા વર્ષના એપ્રિલના આદેશને રદ્દ કરી દીધો હતો, જેમાં ડાઙ્ઘક્‍ટર સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અને ચાર્જશીટ રદ કરવામાં આવી હતી.

હોસ્‍ટેલમાં અનેક સગીર છોકરીઓ સામે જાતીય સતામણીની માહિતી હોવા છતાં ડોક્‍ટરે સંબંધિત અધિકારીને જાણ કરી ન હતી. આ સગીરોની સારવારની જવાબદારી ડોક્‍ટરને સોંપવામાં આવી હતી. જસ્‍ટિસ અજય રસ્‍તોગી અને સીટી રવિકુમારની બેન્‍ચે જણાવ્‍યું હતું કે, એ વાત સાચી છે કે આ કેસમાં અન્‍ય આરોપીઓના સંબંધમાં એફઆઈઆર અને ચાર્જશીટ હજુ પેન્‍ડિંગ છે. ખંડપીઠે તેના ૨૮ પાનાના ચુકાદામાં જણાવ્‍યું હતું કે, જાણ હોવા છતાં સગીર વિરૂદ્ધ જાતીય હુમલાની જાણ ન કરવી એ ગંભીર ગુનો છે અને તે સ્‍પષ્ટપણે જાતીય હુમલાના ગુનેગારોને રક્ષણ આપવા માટે છે.

હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું હતું. સર્વોચ્‍ચ અદાલતે અવલોકન કર્યું હતું કે આ કેસમાં એફઆઈઆર સગીર આદિવાસી છોકરીઓ સામે જાતીય અપરાધ કરવા માટે નોંધવામાં આવી હતી, જેઓ રાજુરાની એક શાળાની વિદ્યાર્થીનીઓ હતી અને તેની કન્‍યા છાત્રાલયમાં રહેતી હતી. એવું જાણવા મળ્‍યું હતું કે જે ડોક્‍ટરની અરજી પર હાઈકોર્ટે ચુકાદો આપ્‍યો હતો તેના પર PACSO એક્‍ટ હેઠળ ગુનાની જાણ ન કરવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. બેન્‍ચે એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્‍યું કે ૧૭ સગીર છોકરીઓનું યૌન શોષણ થયું હતું અને હોસ્‍ટેલમાં દાખલ છોકરીઓની સારવાર માટે ડોક્‍ટરની નિમણૂક કરવામાં આવી હતી. ૧૭ પીડિતોમાંથી કેટલાકે નિવેદન આપ્‍યું હતું કે ડોક્‍ટરને તેમના પર થયેલા યૌન શોષણ વિશે જાણ કરવામાં આવી હતી.

(10:26 am IST)