Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

અઠવાડિયાના ૭ દિવસ કામ : ૧૨ કલાકની શિફટ : નિયમોનું પાલન નહીં કરનારાઓને પાણીચૂ

ટ્‍વિટરના નવા ‘બોસ' એલોન મસ્‍કે કર્મચારીઓ માટે નિયમો જારી કર્યા : અમુક કર્મચારીઓ કામના બોજાને કારણે ઓફિસમાં જ સૂઇ ગયા

ન્‍યૂયોર્ક તા. ૩ : જયારથી દુનિયાના સૌથી અમીર વ્‍યક્‍તિ એલોન મસ્‍કે ટ્‍વિટર ખરીદ્યું છે ત્‍યારથી આ કંપની ચર્ચામાં છે. દરમિયાન, એક ચોંકાવનારા અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે અબજોપતિ મસ્‍કે ટ્‍વિટર ખરીદ્યું ત્‍યારથી કંપનીના કર્મચારીઓ વધારાના કલાકો કામ કરી રહ્યા છે. મસ્‍કની નવી વ્‍યૂહરચના હેઠળ, કંપનીમાં છટણીનો ભય પહેલેથી જ છે. તેમની સમયમર્યાદા પૂરી કરવા માટે, મેનેજરો કર્મચારીઓને ૧૨-૧૨ કલાકની શિફટમાં કામ કરવા કહે છે, એટલે કે અઠવાડિયાના ૮૪ કલાક, અઠવાડિયાના સાતેય દિવસ. એલોન મસ્‍કે ટ્‍વિટર ડીલ પર હસ્‍તાક્ષર કર્યાના કલાકોમાં સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા ટોચના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્‍યા હતા.

સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે કર્મચારીઓને શુક્રવારે કામ સોંપવામાં આવ્‍યા હતા. કેટલાક માને છે કે તે કર્મચારીઓની સખત મહેનત કરવાની ક્ષમતાની કસોટી છે. મસ્‍કે ટ્‍વિટરને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદ્યું છે, જેના પછી કંપનીમાં છટણીનો આશંકા છે. અગાઉના કેટલાક અહેવાલો અનુસાર, કેટલાક ટ્‍વિટર એન્‍જિનિયર્સને વીકએન્‍ડ પર કામ કરવાની સાથે કોડિંગ પ્રોજેક્‍ટ્‍સ પર કામ કરવા માટે કહેવામાં આવ્‍યું છે.

ઈલોન મસ્‍કે ટ્‍વિટર ખરીદ્યા બાદ ઘણા મોટા ફેરફારો કર્યા છે. હાલમાં જ ટ્‍વિટરની વેરિફિકેશન પ્રક્રિયાને લઈને સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્‍યો છે, જે અંતર્ગત હવે યૂઝર્સને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર બ્‍લુ ટિક માટે દર મહિને ૮ ડોલર ચૂકવવા પડશે. રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને ખબર નથી કે તેમને ઓવરટાઇમ ચૂકવવામાં આવશે કે નહીં. તેઓ એ પણ જાણતા નથી કે ઓવરટાઇમ કામ કર્યા પછી પણ તેમની નોકરી ટકી શકશે કે કેમ.

અન્‍ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, મસ્‍ક ટેસ્‍લાના ૫૦ થી વધુ વિશ્વસનીય કર્મચારીઓને ટ્‍વિટર પર લાવ્‍યા છે, જેમાં મોટાભાગના સોફટવેર એન્‍જિનિયર છે. હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે જો તેઓ નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ નહીં કરે તો તેમની નોકરી જોખમમાં આવી શકે છે તેવા ડરથી લોકો ટ્‍વિટર પર કામ કરી રહ્યા છે. કેટલાક મેનેજરે ન્‍યૂયોર્ક ટાઈમ્‍સને જણાવ્‍યું કે કામનો બોજ એટલો ભારે હતો કે શુક્રવાર અને શનિવારની રાત્રે તેમને ઓફિસમાં સૂવું પડતું હતું.

(10:24 am IST)