Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અમિત શાહે આયુષ્માન સીએપીએફ સ્કિમ લોન્ચ કરી

સીએપીએફના જવાનો માટે હેલ્થકેર સ્કીમ લોન્ચ કરી : આ હેલ્થકેર સ્કીમ દેશભરમાં સીએપીએફ જવાનો અને તેમના પરિવારજનોને સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવશે

નવી દિલ્હી, તા.૩ : ભારતના ગૃહમંત્રીએ મંગળવારે સાંજે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ના જવાનો અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક હેલ્થકેર સ્કીમ લોન્ચ કરી હતી. ગૃહમંત્રી શાહ દ્વારા સીએપીએફના જવાનો અને તેમના પરિવારજનોની હેલ્થ માટે લોન્ચ કરવામાં આવેલી આ સ્કીમનું નામ 'આયુષ્માન સીએપીએફ' સ્કીમ છે. આ હેલ્થકેર સ્કીમ દેશભરમાં સીએપીએફ જવાનો અને તેમના પરિવારજનોને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.  આ પ્રસંગે શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેશના સુરક્ષા દળોના હિતોને સૌથી ઉપર રાખ્યા છે અને તેમના કલ્યાણ માટે અનેક પગલાં ભર્યા છે. સીએપીએફએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર દેશની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને મોદી સરકાર તેમના પરિવારોનું ધ્યાન રાખશે. આયુષ્માન સીએપીએફ સ્કીમ અંતર્ગત સીએપીએફ જવાનો અને તેમના પરિવારજનોને આયુષ્માન ભારત પીએમ-જય યોજના કે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના અંતર્ગત સૂચીબદ્ધ તમામ હોસ્પિટલમાં કેશ વગર જ ઈન-પેશન્ટ અને આઉટ-પેશન્ટ સ્વાસ્થ્ય સુવિધાઓનો ફાયદો મળશે.  ગૃહમંત્રી શાહે આયુષ્માન સીએપીએફ સ્કીમ અંતર્ગત તેના સ્વાસ્થ્ય કાર્ડ્સ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી/દ્ગજીય્)ના ડિરેક્ટર એમ.એ. ગણપતિને સોંપ્યા હતા. એમ.એ. ગણપતિ આ સ્વાસ્થ્ય કાર્ડ્સ સીએપીએફ જવાનોમાં વિતરિત કરશે. ડિસેમ્બર મહિના સુધીમાં આશરે ૩૫ લાખ સ્વાસ્થ્ય કાર્ડ્સનું વિતરણ કરી દેવામાં આવશે.

(7:59 pm IST)