Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કટ્ટરપંથીઓ સામે ઇમરાન સરકાર ઝુકી : 860 TLP કાર્યકર્તાઓને જેલમુક્ત કરાયા

ઈમરાન સરકાર અને TLP વચ્ચે પડેલી મડાગાંઠ હવે ઉકેલાઇ: પાકિસ્તાનમાં ચાલી રહેલી હિંસા હવે અટકી શકે

નવી દિલ્હી : ઈમરાન સરકાર અને TLP વચ્ચે પડેલી મડાગાંઠ હવે ઉકેલાઇ રહી છે, કટ્ટરપંથીઓ સામે ઇમરાન સરકાર ઝુકી છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી હિંસા અટકી શકે છે.

કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટી તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) અને ઈમરાન સરકાર વચ્ચે સીક્રેટ ડીલ થયાની વાત સામે આવી રહી છે. આ અંતર્ગત મંગળવારે લગભગ 860 TLP કાર્યકર્તાઓને મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ ઈમરાન સરકાર અને TLP વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ હતી.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે એક આદેશ જારી કરીને કહ્યું કે લગભગ 860 TLP કાર્યકર્તાઓને મુક્ત કરવામાં આવ્યા છે. તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તેમની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

પાકિસ્તાને 2015માં બનેલી TLP પર પ્રતિબંધ મૂક્યો છે. TLP તેના પક્ષના વડા સાદ રિઝવીને મુક્ત કરે અને ફ્રેન્ચ રાજદૂતને હાંકી કાઢે તેવી માંગ પર અડગ છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને એક ક્લાસમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂનની અભિવ્યક્તિની સ્વતંત્ર્યતા વ્યક્ત કરી હતી.ત્યારથી TLP પાકિસ્તાનમાંથી ફ્રાન્સના રાજદૂતને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ વર્ષે એપ્રિલમાં પણ આ જ માંગ પર હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ TLP ચીફ સાદ રિઝવીને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

(12:51 pm IST)