Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સબસીડી પાછળ જંગી ખર્ચ છતાં કૃષિ સંકટ

નવા સંશોધનના ચોંકાવનારા તારણોઃ સબસીડી પાછળ થતાં ખર્ચનું પરિણામ મળતું નથી

નવી દિલ્હી તા.૩ :  દેશમાં ખેડૂતોને સબસીડી એટલે આપવામાં આવેલ છે કે તેનાથી તેની આર્થિક સ્થિતિ સુધરે. તેઓ પાકનું સારૂ ઉત્પાદન કરી શકે. ખેડૂતો દાયકાઓથી સબસીડીનો લાભ મેળવી રહયા છે. જેમાં મફત વીજળી, ઓછી કિંમતે ખાતર, સસ્તી લોન વગેરે સામેલ છે. આનું બીજું પાસું એ છે કે આનો બોજ ખેડૂતો ઉપર જ આવે છે અને તેના પરિણામે દેશના કૃષિ ક્ષેત્ર પર સંકટ વધે છે. આ વાત એક નવા રિસર્ચમાં બહાર આવી છે.

થિંક ટેંક ઇન્ડિયન કાઉન્સીલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન (આઇસીઆરઆઇઇઆર) ના અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને તેમની ટીમે કૃષિક્ષેત્રની મુશ્કેલીઓ અને ખેડૂતોને અપાતી સબસીડી ઉપર રિસર્ચ કર્યું છે. જેમાં દાવો કરાયો છે કે સરકારોએ છેલ્લા ઘણા વર્ષો દરમ્યાન સબસીડી ઉપર જે રકમ ખર્ચ કરી છે, તેનાં બદલામાં અપેક્ષાકૃત પરિણામો નથી મળ્યાં.

ત્યાં સુધી કે આ ક્ષેત્રમાં થતા રોકાણોે પણ લગભગ થંભી ગયા છે. આનુ પરિણામ એ આવ્યું કે દેશના કૃષિક્ષેત્રમાં જે પ્રગતિ થવાની હતી તે ન થઇ શકી. સાથે જ ગરીબી ઘટાડવાની ઝડપ પણ ધીમી થઇ ગઇ.

પ્રાથમિક અર્થશાસ્ત્ર એવંુ કહે છે કે જયાં પ્રગતિ ચાલુ હોય છે ત્યાં રોકાણો પણ આવે છે. જયારે કૃષિક્ષેત્રમાં કંઇક અલગ જ જોવા મળે છે. અહીંયા એક સમસ્યા દૂર થઇ રહી હોય ત્યાં બીજી સમસ્યા ઉભી થઇ જાય છે. ખેડૂતોનો સંઘર્ષ પણ ઓછો નથી થયો, તેમને અત્યારે સારા પરિણામો માટે રાજકીય પડકારો સામે પણ લડવું પડે છે. આ એવી સમસ્યાઓ છે જેનો સંબંધ લાંબા સમયથી કૃષિક્ષેત્રને અપાઇ રહેલી ભારે સબસીડી સાથે છે. ''સપોર્ટીંગ ઇન્ડિયન ફાર્મર્સ ધ સ્માર્ટ વે'' રિસર્ચમાં પણ આની સાબિતિઓ મળે છે.

ઉદાહરણ તરીકે વીજળી અને ખાતર ઉપર અપાતી સબસીડી પછી ઉત્પાદન વધવું જોઇએ પણ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ ન થવાના કારણે ખેડૂતોને ઘણીવાર મોટું નુકસાન સહન કરવું પડે છે. પહેલાથી જ સિમિત સાધનો હોવાના કારણે જયારે પણ સબસીડી વધારવામાં આવે છે ત્યારે રોકાણ કરવા માટેની મુડીમાં ઘટાડો થાય છે. આ એક મોટું કારણ છે કે સબસીડીના કારણે કૃષિક્ષેત્રનું સંકટ ઓછું નથી થતું અને ખેડૂતોની આવક પણ વધતી નથી.(૧.૩)

 

(10:13 am IST)