Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ખેડૂતોના પ્રદર્શનથી પંજાબમાં કોરોના બૉમ્બ ફાટી શકે છે

સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવ્યો : બિલના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠાં થઈ રહ્યા છે જેના લીધે કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ શકે છે

ચંદીગઢ, તા. ૩ : પંજાબમાં છેલ્લા બે અઠવાડિયામાં ભલે કોરોના વાયરસના સંક્રમણની ગતિ ધીમી પડી હોય પણ આ સકારાત્મક સંકેત લાંબો સમય ટકે તેમ લાગતું નથી. રાજ્યમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી ફરી એકવાર કોરોનાની લહેર વ્યાપી શકે તેવા સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં વિવાદાસ્પદ એગ્રિકલ્ચર બિલનો ૩૧ અલગ-અલગ ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે રાજકીય પક્ષો દ્વારા પર રાજ્યવ્યાપી કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સ્થિતિને જોઈને હેલ્થ એક્સપર્ટ ભારે ટેન્શનમાં આવી ગયા છે કારણ કે, આ વિરોધ પ્રદર્શનોમાં ભારે જનમેદની એકઠી થઈ રહી છે, તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને મોટાભાગના પ્રદર્શનકારીઓ માસ્ક વિના દેખાઈ રહ્યા છે. ૧ ઓક્ટોબરના રોજ એસએડી નેતા સુખબીર સિંહ બાદલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં લોકોની ભીડ જામી હતી, પરંતુ મોટા ભાગના પ્રદર્શનકારીઓએ કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે કરવામાં આવેલા નિયંત્રણોનું પાલન કરવા માટે બહુ ઓછું સન્માન દર્શાવ્યું હતું.

મોટા નેતાઓને બાદ કરતાં મોટાભાગના પ્રદર્શનકારીઓ માસ્ક વગરના હતા. ૪ ઓક્ટોબરથી શરૂ થનારી હેઠળની કોંગ્રેસની રેલીઓમાં રાહુલ ગાંધીની આગેવાની આ પરિસ્થિતિ થોડી અલગ હોવાની અપેક્ષા છે. આરોગ્યને લગતા મુદ્દે પંજાબ સરકારના સલાહકાર ડૉ. કે.કે.તલવારે જણાવ્યું હતું કે, આ વિરોધને કારણે રાજ્યમાં કોવિડ-૧૯ કેસો ફરીથી વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, નવા કેસોની લહેરના કદની આગાહી કરવી મુશ્કેલ છે. નિષ્ણાતોના અંદાજ અનુસાર, વિરોધ પ્રદર્શનોની સંક્રમણમાં અસર આગામી ૧૦થી ૧૪ દિવસોમાં દેખાવાની શરૂ થશે. આ પડકારથી વાકેફ આરોગ્ય વિભાગે પરીક્ષણ ક્ષમતા અને સંક્રમિતોની વહેલી ઓળખ અને તેમને અલગ તારવવા માટેની ટીમો વધારી છે.

પંજાબ આરોગ્ય વિભાગના ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯ માટેના પ્રવક્તા ડૉ. રાજેશ ભાસ્કરે માહિતી શેર કરતા જણાવ્યું કે, સેમ્પલ કલેક્શન માટેની ટીમોની સંખ્યા ૨૮૪ થી વધારીને ૭૫૯ કરી દેવાઈ છે જ્યારે લેબોરેટરીઝની રોજની ટેસ્ટિંગ કેપિસિટી ૨૦ હજાર સુધી પહોંચી ગઈ છે. ડૉ. ભાસ્કરે જણાવ્યું કે, 'લોકો કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સૌથી જરૂર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું, અનુસરી રહ્યા નથી જેના કારણે ઑગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં ખૂબ મોટા પ્રમાણમાં કેસો નોંધાયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં પણ કોરોનાથી સુરક્ષા માટેની આ બાબતોનું પાલન થઈ રહ્યું નથી.' ગત બે સપ્તાહ, ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર દરમિયાન રાજ્યનો રિકવરી રેટ પોઝિટિવ કેસોની સામે વધ્યો છે. આ સમયગાળામાં કુલ ૨૪,૮૦૩ લોકો પોઝિટિવ નોંધાયા છે જેની સામે ૩૦,૧૧૯ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

આના કારણે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જે નેશનલ અને વર્લ્ડ સરેરાશથી એક પૉઈન્ટ ઊંચો છે. વર્તમાન સમયમાં પંજાબમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૪ ટકા છે જે ઑગસ્ટમાં ૩૨.૭૩ ટકાએ હતી.

(10:32 pm IST)