Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હાથરસ ગેંગરેપના વિરોધમાં કોલકતામાં મમતાની વિશાળ રેલી : કહ્યું -ભાજપ સૌથી મોટી મહામારી

આપણે આ અત્યાચાર સામે ઉભા થવું પડશે. દેશભરમાં તાનાશાહી ચાલી રહી છે.

કોલકાતા:હાથરસ ગેંગરેપ કેસના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યુ હતું. ભાજપ સરકાર ઉપર નિશાન લગાવીને શાબ્દિક પ્રહારો પણ કર્યા. તેમણે હાથરસ જઇને પીડિત પરિવારને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે લઘુમતિઓ અને દલિતો સામે થઇ રહેલા અત્યાસાર સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર ઉપર તાનાશાહીનો આરોપ પણ લગાવ્યો છે. આટલેથી ના અટકતા તેમણે ભાજપને સૌથી મોટી  મહામારી ગણાવી હતી, જે દલિતો ઉપર સૌથી વધારે અત્યાચાર કરે છે.

મમતા બેનર્જીએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું કે તે દલિતોનો છેલ્લે સુધી સાથ આપશે, કારણ કે તેમની જાતિ માનવતાની છે અને તેઓ ધર્મ કે જાતિના આધાર ઉપર ભેદભાવ કરવામાં નથી માનતા. કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ મમતા બેનર્જી પ્રથમ વખત કોઇ વિરોધ પ્રદર્શન અને રેલીમાં જોડાયા હતા.

આ રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કોરોના વાયરસ મોટી મહામારી નથી, ભાજપ સૌથી મોટી મહામારી છે. આ સૌથી મોટી મહામારી છે જે દલિત અને પછાત વર્ગના લોકો પર અત્યાચાર કરે છે. આપણે આ અત્યાચાર સામે ઉભા થવું પડશે. દેશભરમાં તાનાશાહી  ચાલી રહી છે. લોકો માટે સરકાર ચલાવવાના બદલે તેઓ લોકો, દલિતો અને ખેડૂતોના વિરોધમાં સરકાર ચલાવી રહ્યા છે.

(9:57 pm IST)