Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

આખરે કોહલીએ દમ દેખાડ્યો : રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે હરાવી રોયલ ચેલેન્જર બેંગ્લોર પોઇન્ટ ટેબલ પર ટોચના સ્થાને

વિરાટે 72 રન ફટકાર્યા : મેન ઓફ ધ મેચ ચહલે 24 રનમાં 3 વિકેટ ઝડપી : તિવેટિયાએ 12 બોલમાં 3 છગ્ગા ફટકારી મેચમાં ગરમી લાવી દીધી

અબુધાબીઃ IPL-2020ની 13મી સીઝનની આજે રમાયેલી 15મી મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર બેંગલોરે સ્મિથની રાજસ્થાન રોયલ પર 8 વિકેટે વિજય મેળવ્યો હતો. તેની સાથે બેંગલોરના 6 પોઇન્ટ થઇ ગયા. હવે તેના 4માંથી 3 મેચમાં જીત મેળવી પોઇન્ટ ટેબલ પર ટોચે પહોંચી ગયું છે.રોયલ ચેલેન્જર બેંગલોરે રાજસ્થાનના 6 વિકેટે 154 રનના સામાન્ય ટાર્ગેટને માત્ર બે વિકેટ ગુમાવી હાંસલ કર લીધો હતો અને બે વિકેટ 158 રન નોંધાવી 8 વિકેટ જીત મેળવી લીધી હતી.

શનિવારે આઇપીએલની બે મેચ હતી. દિવસની પ્રથમ મેચમાં બેંગલોરે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. વિરાટ કોહલી નિર્ણય તેના બોલરોએ યોગ્ય ઠેરવ્યો હતો. યુઝવેન્દર ચહલ, સૈની અને ઉડાનાએ શાનદાર બોલિંગ કરી રાજસ્થાન પર શરુઆતમાં પ્રેસર નાંખી દીધું હતું.

રાજસ્થાનની પ્રથમ વિકેટ માત્ર 27 રને પડી ગઇ ગઇ હતી. ઉડાનાએ કેપ્ટન સ્મિથને માત્ર 5 રનના સ્કોર બોલ્ડ કરી દીધો હતો. ત્યાર બાદ સૈની અને સ્પિનર ચહેલે તરખાટ મચાવતા 70 રનમાં 4 વિકેટો પડી જતાં રાજસ્થાન મુશ્કેલીમાં મુકાઇ ગયું હતું. જોશ બટલરે 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન કર્યા હતા. જ્યારે સંજુ સેમસન માત્ર 4 રને ચહલનો શિકાર થયો હતો. ઉપરાંત ઉથપ્પાને પણ ચહલે 17 રનના વ્યક્તિગત સ્કોરે ચાલતો કર્યો હતો.

લોમરર અને તિવેટિયાએ લડત આપતા રાજસ્થાન સન્માનજનક સ્કોરે પહોંચી શક્યું હતું. લોમરરે 39 બોલમાં એક ચોગ્ગા અને 3 છગ્ગા થકી 47 રન કર્યા હતા. તેને ચહલે આઉટ કર્યો હતો. જ્યારે  તિવેટિયાએ 12 બોલમાં 3 છગ્ગા ફટકારી મેચમાં ગરમી લાવી દીધી હતી. પરંતુ ત્યારે રમવા માટે બહુ ઓવરો નહતી અને તે 24 રને અણનમ રહ્યો હતો.

તિવેટિયાને આર્ચરે સારો સાથ આપ્યો હતો. આર્ચરે 10 બોલમાં એક ચોગ્ગા અને 1 છગ્ગાને સહારે અણનમ 16 રન કર્યા હતા. આમ નિર્ધારિત 20 ઓવરમાં રાજસ્થાન 6 વિકેટ 154 રન કરી શક્યું હતું.Kohli

બેંગ્લોર વતી મેન ઓફ ધ મેચ યુઝવેન્દર ચહલે 4 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ ખેરવી હતી. જ્યારે ઉડાનાએ બે અને સૈનીએ એક વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદરને વિકેટ ન મળી હતી પરંતુ તેણે ચાર ઓવરમાં માત્ર 20 રન આપી બહુ ચુસ્ત બોલિંગ કરી હતી.

જવાબમાં 155 રનના ટાર્ગેટને પહોંચી વળવા જીતવાના નિર્ધાર સાથે ઉતરેલી રોયલ ચેલેન્જરને પણ શરુઆતમાં જ આંચકો લાગી ગયો હતો. ઓપનર ફિન્ચ માત્ર 7 બોલમાં 8 રને ગોપાલ દ્વારા એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયો હતો. ત્યારે બેંગ્લોરનો સ્કોર માત્ર 25 રન હતો.

કેપ્ટન વિરાટ કોહલી( Virat Kohli)અને ઓપનર પડિક્કલે  ત્યાર બાદ બેંગલોરની જીતનો પાયો નાંખવામાં કોઇ કસર છોડી નહતી. બંનેએ 13 ઓવરમાં બીજી વિકેટની 99 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. ત્યારે પડિક્કલ 45 બોલમાં 63 રને આર્ચરના બોલે બોલ્ડ થઇ ગયો હતો. તેણે 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા.

પડિક્કલના આઉટ થયા પછી કોહલી અને ડિવિલિયર્સે બેંગલોરને જીત અપાવી હતી. વિરાટ 53 બોલમાં 72 રને અને ડિવિલિયર્સ 10 બોલમાં 12 રને અણનમ રહ્યા હતા. વિરાટે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સીઝનમાં વિરાટની આ પ્રથમ ફિફટી હતી. તે ખરા ટાણે ફોર્મમાં આવી ગયો છે.

રાજસ્થાન વતી આર્ચર અને ગોપાલે 1-1 વિકેટ મેળવી હતી. આર્ચર સિવાય કોઇ પણ બોલર અસરકારક રહ્યા નહતા. આર્ચરે 4 ઓવરમાં માત્ર 18 રન ખર્ચ્યા હતા.

(9:36 pm IST)