Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

રાજકોટની ખેતીની જમીનના વેંચાણનો મામલો

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રીટર્ન કેસમાં ૨ વર્ષની સજાઃ ૨.૯૭ કરોડનો દંડ

કલોલની એક અદાલતે ૪ વર્ષ જુના ચેક રીટર્નના કેસમાં ફટકારી સજા

કલોલ તા. ૩: ૨૦૧૬ના ચેક રીટર્નના એક કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને કલોલની એક અદાલતે બે વર્ષની સાદી જેલની તથા ૨.૯૭ કરોડનો દંડ કર્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કલોલ કોર્ટમાં ઠાકોર પ્રભાતસિંહ (રહે. થલતેજ, અમદાવાદ)એ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરા વિરૂદ્ધ કલોલ કોર્ટમાં તા.૧૩-૧૦-૧૬ના રોજ ચેક રીટર્ન અંગેની ફરીયાદ કરેલી. ફરીયાદી અને આરોપી સારા મિત્ર હોવાથી એકબીજાથી પરિચીત હતા. આરોપી દેવજીભાઇએ ફરીયાદી પાસેથી તેમની રાજકોટ મુકામે આવેલી ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કરી આ જમીનના બાનાપેટે ટુકડે-ટુકડે રૂ.૧,૪૮,૫૦,૦૦૦/- મેળવેલા. આ અંગેનું બાનાખત તા.૨પ-૦૪-૧૪ના રોજ આરોપી દેવજીભાઇએ ફરીયાદી પ્રભાતસિંહ અને સાક્ષીઓ રૂબરી કરી આપ્યા ત્યારબાદ આ જમીનનો દસ્તાવેજ થઇ શકે તેમ નહીં હોવાથી આરોપી દેવજીભાઇએ બાનાપેટે ચુકવેલ રકમ પરત ચૂકવવા ફરીયાદીને સ્ટેટ બેંનક ઓફ ઇન્ડીયા, ગાંધીનગર શાખાનો રૂ.૧,૪૮,૫૦૦/-નો ચેક આપેલો અને આ ચેક બેંકમાં ભરતા રીટર્ન આવતા ફરીયાદીએ વકીલ ભાનુભાઇ પટેલ મારફતે ચેક રીટર્ન અન્વયેની નોટીસ આપેલી અને નોટીસ પીરીયડમાં આરોપી દેવજીભાઇએ ફરીયાદી પ્રભાતસિંહને ચેકની રકમ નહીં ચૂકવતા ફરીયાદી પ્રભાતસિંહ આતાજી ઠાકોરે ચેક રીટર્ન અંગેની ફરીયાદ દાખલ કરેલી અને આ ફરીયાદના કામે દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદી તથા સાક્ષીઓની જુબાની થઇ બન્ને પક્ષોની કોર્ટ સમક્ષ થયેલી દલીલોના અંતે ના. કલોલ કોર્ટના પ્રિન્સીપાલ સિનિયર સિવીલ જજ ડી.એસ. ઠક્કર સાહેબે મેરીટના આધારે આરોપી દેવજીભાઇ ગોવિંદભાઇ ફતેપરાને ૨ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૨,૯૭,૧૦,૦૦૦/-ના દંડનો હુકમ કરેલ છે. જેમાંથી રૂ.૨,૯૭,૦૦,૦૦૦/- ફરીયાદી પ્રભાતસિંહ આતાજી ઠાકોરને ચૂકવી આપવાનો હૂકમ કરેલ છે તેમજ આરોપી દંડ ન ભરે તો બીજી ત્રણ મહિનાની વધુ સજાનો કલોલ કોર્ટે હુકમ કરેલ છે. ફરીયાદી તરફે એડવોકેટ ભાનુભાઇ પટેલ તથા ધરમભાઇ જે. ઠાકોર હાજર રહ્યા હતા.

(3:29 pm IST)