Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા જ કરી હતીઃ AIMS ફોરેન્સિક રિપોર્ટ

હવે CBI એ તપાસ કરશે કે, અભિનેતાએ કોની ઉશ્કેરણીથી આપઘાત કર્યો હતો કે પોતાની જાતે આ પગલું ભર્યુ હતું

મુંબઇ, તા.૩: ૧૪ જૂનના આત્મહત્યા કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુને ચાર મહિના થવા આવ્યા છે. અભિનેતાના મોતના દિવસથી જ ચર્ચા ચાલી રહી છે કે, આ ખરેખર આત્મહત્યા છે કે પછી હત્યા. ત્યારે હવે જઈને અભિનેતાના કેસમાં ખુલાસો થયો છે કે, આ આત્મહત્યા જ હતી. ઓલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIMS)એ ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો થઈ ગયો છે. AIMSના ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ આત્મહત્યા જ હતી. એટલે હવે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) આ જ એન્ગલથી આગળ તપાસ કરશે.

AIMSના ફોરેન્સિક રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયા બાદ હવે CBI આત્મહત્યાના એન્ગલને લઈને તપાસ આગળ વધારશે. હવે CBIએ તપાસ કરવાની છે કે, સુશાંત સિંહ રાજપૂતે કોઈની ઉશ્કેરણીથી આપઘાત કર્યો હતો કે પોતાની જાતે આ પગલું ભર્યું હતું. એ ડિપ્રેશનનો શિકાર થયો હતો કે પછી ડ્રગની અસર હેઠળ આપઘાત કરવા પ્રેરાયો હતો. એને આપદ્યાત કરવા પ્રેરે એવી કોઈ ધાકધમકી મળી હતી કે બધું યોગાનુયોગ બન્યું હતું. આ સવાલોના જવાબ હવે ઘ્ગ્ત્એ શોધવાના છે.

AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં અભિનેતાની હત્યા થઈ હોવાની વાતને ખોટી ઠરાવાઈ હતી અને AIIMSના રિપોર્ટમાં જણાવાયું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હોય એવો એક પણ પુરાવો ફોરોન્સિક તપાસમાં હાથ લાગ્યો નહોતો. AIIMSના મેડિકલ બોર્ડે મુંબઈની કૂપર હોસ્પિટલ દ્વારા અપાયેલા રિપોર્ટ સાથે પોતાનાં તારણોને તપાસ્યા હતા અને ત્યારબાદ CBIના આ રિપોર્ટ સોંપી દીધો હતો. CBI આ બાબતમાં અત્યાર સુધીમાં ૨૦ જણની પૂછપરછ કરી ચૂકી હતી. હવે સુશાંતના ત્યાંથી મળેલા લેપટોપ, હાર્ડ ડિસ્ક, કેનન કેમેરા અને બે મોબાઇલ ફોનની તપાસ બાકી છે. એની તપાસ પૂરી થયા બાદ CBI પોતાનો નિષ્કર્ષ જાહેર કરશે એમ માની શકાય. હજુ પણ જો કોઇ કડી એવી મળશે જે એમ સૂચવે કે, સુશાંતની હત્યા થઇ હતી તો એને ઇન્ડિયન પીનલ કોડની ૩૦૨ની કલમ સાથે જોડી દેવામાં આવશે.તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂને આત્મહત્યા કરી હતી. બાંદ્રા સ્થિત ફ્લેટમાં તે પંખા પર લટકેલો મળી આવ્યો હતો.

(3:09 pm IST)