Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

૬ ઓકટોબરે મંગળ પૃથ્વીની સૌથી નજીક આવશેઃ ૩૧મીએ બ્લુમુનનો નજારો

આ મહિને બે અદભૂત ખગોળીય ઘટનાઓઃ આ સદીમાં ત્રીજો અવસર બનશેઃ બ્લુમૂનની ઘટના ૧૯ વર્ષ સુધી નહિં બને

ઉદયપુર તા. ૩: ઓકટોબર મહિનામાં બે મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓ બનવાની છે. પહેલી ખગોળીય ઘટનામાં મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવશે અને બીજી ઘટના બ્લુ મુનની થશે આ બન્ને ઘટનાઓ વૈજ્ઞાનિક રીસર્ચના હિસાબે બહુ મહત્વપુર્ણ છે એટલે ઉદયપુરના બીએનવીવીમાં બન્ને ઘટનાઓને વૈજ્ઞાનિકો જોશે તો જે લોકો ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા હોય તેઓ પણ આ ઘટનાઓને જોવાનું નહિં ચુકે.

આ સદીમાં આ ત્રીજો અવસર હશે કે મંગળ પૃથ્વીની આટલો નજીક આવ્યો હોય. આગામી ૬ ઓકટોબરે એ સૌથી રોમાંચક ઘટના બનશે જયારે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે. એટલે કે તેનું અંતર પૃથ્વીથી ૬ર.૦૭ મીલીયન કિલોમીટર હશે. તે દરમ્યાન તે વધુ ચમકતો અને લાલ દેખાશે. તેને લોકો સરળતાથી જોઇ શકશે.

આ પહેલા ર૦૦૩માં મંગળ ૬૦ હજાર વર્ષ પછી પૃથ્વીની નજીક આવ્યો હતો. આ ઉપરાંત ૩૧ ઓકટોબરે વધુ એક ખુબસુરત નજારો બ્લુમુનનો જોવા મળશે. બ્લુમુનનો અર્થ એક મહિનામાં બે પુનમ અને બીજી પુનમને બ્લુમુન કહેવામાં આવે છે. બ્લુ મુનની આ ખુબસુરત ઘટના હવે આગામી ૧૯ વર્ષ સુધી નથી બનવાની.

(2:39 pm IST)