Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

શહેરમાં કોરોનાની પાછી પાની? આજે ૩૯ રિપોર્ટ પોઝિટિવ

ઘણા સમય પછી બપોરે ૪૦ નીચે કેસ નોંધાયાઃ કુલ આંક ૬૪૪૬: આજ દિવસ સુધીમાં ૫૨૪૪ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૧.૮૪ ટકા : જીવન પ્રભા સોસાયટી - રૈયા રોડ, મહાવીર સોસાયટી- નિર્મલા કોન્વેન્ટ રોડ, ત્રિવેણી- શકિત સોસાયટી, સંતકબીર રોડ, ગંગદેવ પાર્ક- ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોલ્ડન પાર્ક- સેન્ટ્રલ મોલ પાસે, કૃષ્ણપરા - પરા બજાર, રામેશ્વર પાર્ક, સિતારા ટાવર- પંચવટી મેઇન રોડ સહિતના વિસ્તારોમાં નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન : રાજકોટમાં ૪૧ હજાર ઘરોનો સર્વેઃ ૪૧ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

રાજકોટ,તા.૩: શહેરમાં કોરોનાનો ગ્રાફ નીચે જોવા મળી રહ્યો છે. કેમ ેક, છેલ્લા ઘણા સમય પછી ૪૦ ની અંદર કેસ નોંધાયા છે. આજે બપોરનાં વધુ ૩૯ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક ૬૪૪૬એ પહોંચ્યો છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૯ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૪૪૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૧.૮૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૯૭૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૭૬ ટકા થયો  હતો. જયારે ૧૦૩ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૩૧,૭૯૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૪૪૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૬ ટકા થયો છે.

નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ જીવન પ્રભા સોસાયટી - રૈયા રોડ, મહાવીર સોસાયટી- નિર્મલા કોન્વેન્ટ રોડ, ત્રિવેણી- શકિત સોસાયટી, સંતકબીર રોડ, ગંગદેવ પાર્ક- ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોલ્ડન પાર્ક- સેન્ટ્રલ મોલ પાસે, કુષ્ણપરા - પરા બજાર, રામેશ્વર પાર્ક, સિતારા ટાવર- પંચવટી મેઇન રોડ સહિતના વિસ્તારોમાં ૯૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૪૧ હજાર ઘરોનો સર્વેઃ ૪૧ લોકોને તાવ,શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૧,૦૮૯  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૪૧  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે સેન્ટ્રલ જેલ, પોપટપરા, રૂખડીયા, રૈયાનાકા ટાવર, લક્ષ્મીવાડી, ગાયત્રીનગર, નંદનવન, લાતી પ્લોટ,  નવલનગર સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૭૬૯ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:39 pm IST)