Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

બિહાર ચુંટણીમાં એનડીએથી અલગ થશે એલજેપી

સંસદીય બોર્ડની મીટીંગ પછી જાહેરાત કરશે ચિરાગ પાસવાન

પટણા તા. ૩: બિહારના ચુંટણી જંગમાં એલજેપી એકલા હાથે મેદાનમાં ઉતરી શકે છે સુત્રોનું કહેવું છે કે એલજેપીએ નિર્ણય કરીલીધો છે કે તે બિહાર ચુંટણીમાં એનડીએથી અલગ રહીને તકદીર અજમાવશે જોકે એલજેપી એકલા ચાલોની નીતિ છતાં ભાજપા સાથે મનમેળ રાખશે. સુત્રોનું કહેવું છે કે એલજેપીને મુખ્યપ્રધાન નીતીશકુમારના નેતૃત્વ સામે વાંધો છે એટલે તેઓ એનડીએના ઘટક જેડીયુ અને હિન્દુસ્તાન અવામ મોર્ચા (હમ) ના ઉમેદવારો સામે પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

નામ જાહેર ન કરવાની શરતે એલજેપીના એક સીનીયર નેતાએ જણાવ્યું કે કાર્યકર્તાઓની ઇચ્છા છે કે એલજેપી બિહારમાં ૧૪૩ બેઠકો પર લડે. તેમણે એમ પણ જણાવ્યું કે અત્યાર સુધી જે કંઇપણ વાતચીત થઇ છે તેનાથી એવું લાગે છે કે એલજેપી માટે આ ગઠબંધનમાં ચાલુ રહેવું અઘરૃં છે. તેમણે એ પણ ચોખવટ કરી કે ભાજપા સાથે અમારે કોઇ વિવાદ નથી. એલજેપીને ભાજપા નેતૃત્વ સામે કોઇ પ્રકારની ફરિયાદ નથી. જોકે તેમણે એમ પણ જણાવ્યું કે કાર્યકરોએ આખરી નિર્ણય પક્ષ પ્રમુખ ચિરાગ પાસવાન પર છોડયો છે.

તેમણે જણાવ્યું કે પક્ષની નેતાગીરીએ નકકી કરી લીધું છે કે, જયાં સુધી સન્માનજનક બેઠકો નહીં મળે ત્યાં સુધી એલજેપી એનડીઓમાં નહીં રહે. સન્માનજનક બેઠકો એટલે કેટલી એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ૪ર થી ઓછી બેઠકો હશે તો વાત નહીં બને. આ આંકડામાં ફેરફાર કરવાનો અધિકાર ફકત પક્ષ પ્રમુખ પાસે છે પણ કાર્યકરોની ઇચ્છા છે કે ચુંટણીમાં પણ ૧૪૩ બેઠકો પર લડે.

એલજેપીએ આજે સાંજે પાંચ વાગ્યે કેન્દ્રીય સંસદીય બોર્ડની મીટીંગ બોલાવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચુંટણી પહેલાની તે એલજેપીની છેલ્લી મીટીંગ હશે. સુત્રો અનુસાર, આ મીટીંગ પછી પણ પ્રમુખ ચિરાગ પાસવાન બિહાર ચુંટણીમાં એનડીએથી અલગ થવાની જાહેરાત કરશે.

(11:11 am IST)