Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

મહારાષ્ટ્રમાં નોંધાયા છે દેશના સૌથી વધુ બળાત્કાર પછી હત્યાના ગુના

બાળકોના જાતીય શોષણ અને સાર્વજનિક પરિવહન દરમ્યાન થયેલા જાતીય શોષણમાં પણ મહારાષ્ટ્ર મોખરે છે

મુંબઇ,તા.૩ : ઉત્તર પ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષની યુવતી સાથે થયેલા અત્યાચારે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે અને ઉત્ત્।ર પ્રદેશ સરકારનું રાજીનામું માગવામાં આવી રહ્યું છે ત્યારે એ બાબત પ્રત્યે ધ્યાન આપવાની આવશ્યકતા છે કે હાથરસનો બનાવ દેશનો આવો પહેલો બનાવ નથી. મહારાષ્ટ્રમાં તો દેશમાં સૌથી વધુ બળાત્કાર અને હત્યાના બનાવ નોંધવામાં આવ્યા છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરો (એનસીઆરબી)ની નોંધ પ્રમાણે બળાત્કાર અને હત્યાના સૌથી વધુ ૪૭ ગુના મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આના કરતાં પણ શરમજનક બાબત એ છે કે બાળકોના જાતીય શોષણ અને સાર્વજનિક પરિવહન દરમ્યાન થયેલા જાતીય શોષણમાં પણ મહારાષ્ટ્ર મોખરે છે.

આ આંકડાઓ મુજબ મહિલાઓ વિરુદ્ઘ અત્યાચારના ૬,૫૧૯ ગુના મુંબઈ પોલીસ દ્વારા ૨૦૧૯માં નોંધવામાં આવ્યા હતા અને આ આંકડા દેશની રાજધાની દિલ્હી (૧૨,૯૦૨) પછીના સૌથી વધારે હતા. મહિલાઓ સામે અત્યાચારના સૌથી વધુ ગુના ઉત્તર પ્રદેશમાં (૫૯,૮૫૩) નોંધાયા છે, મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને આવે છે. મહારાષ્ટ્રમાં ૩૭,૧૪૪ અને રાજસ્થાનમાં ૪૧,૫૫૦ ગુના નોંધાયા છે.

મુંબઈમાં જાહેર પરિવહનના માધ્યમોમાં સૌથી વધુ મહિલાઓની સતામણીના ગુના નોંધવામાં આવ્યા છે. મુંબઈમાં ૧૬, પુણેમાં ૧૦ અને દિલ્હીમાં ફકત ૮ ગુના નોંધવામાં આવ્યા છે.

૨૦૧૯માં દેશના મેટ્રોપોલિટન શહેરોમાં બાળકોનો પોર્નોગ્રાફીમાં ઉપયોગના સૌથી વધુ ૧૪ ગુના નોંધાયા છે, જયારે આખા રાજયમાં આવા ૧૮ ગુના નોંધાયા છે.

૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના અપહરણ અને જાતીય શોષણમાં મુંબઈ ૧૨૬૯ કેસ સાથે દિલ્હી પછી બીજા સ્થાને રહ્યું છે. જયારે રાજયના આંકડામાં ઉત્ત્।ર પ્રદેશ ૭,૪૪૪ ગુના સાથે પ્રથમ છે, જયારે મહારાષ્ટ્ર ૬૪૦૨ અને મધ્યપ્રદેશ ૬,૦૫૩ કેસ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.

મહિલાઓના અપહરણના કેસમાં પણ મુંબઈ (૧,૩૨૭) દિલ્હી (૩,૩૯૮) પછી બીજા સ્થાને છે. એનસીઆરબીના આંકડામાં જણાવ્યા મુજબ દેશમાં ગયા વર્ષમાં કુલ ૨૭૮ 'બળાત્કાર પછી હત્યા'ના કેસ નોંધાયા હતા અને આમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૪૭ નોંધાયા હતા. જેમાંથી બે કેસ તો મુંબઈમાં નોંધાયા હતા. બીજા ક્રમાંકે મધ્ય પ્રદેશ રહ્યું હતું, જયાં આવા ૩૭ કેસ નોંધાયા હતા. ઉત્ત્।ર પ્રદેશ ૩૪ કેસ સાથે ત્રીજા ક્રમાંકે રહ્યું હતું.

બળાત્કારના ગુનાની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ૨,૨૯૯ કેસ સાથે ચોથા સ્થાને રહ્યું છે. રાજસ્થાન (૫,૯૯૭), ઉત્ત્।ર પ્રદેશ (૩,૦૬૫) અને મધ્ય પ્રદેશ (૨,૪૮૫) સાથે તેની ઉપરના સ્થાને છે. રાજયમાં મહિલાઓના વિનયભંગના કુલ ૧૦,૪૭૨ કેસ નોંધાયા હતા અને તે ઉત્ત્।ર પ્રદેશ (૧૧,૯૮૮) અને ઓરિસા (૧૧,૩૦૮) પછી સૌથી વધારે હતા.

મહિલાઓના વિનયભંગના કુલ ૫૭૫ કેસ ફકત મુંબઈમાં નોંધાયા હતા અને તે દેશના બધા શહેરોમાં સૌથી વધારે છે.

(11:08 am IST)