Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

એકાઉન્ટમાંથી કોઇ છેતરપિંડીથી રૂપિયા ઉપાડી લે તો ગભરાવાની જરૂર નથીઃ પરત આવી જશે તમારો એક-એક રૂપિયોઃ સૌ પહેલા શું કરવું જરૂરી છે?

RBI કહે છે કે તેવા કોઇપણ ટ્રાન્જેકશનની જાણકારી તરત જ આપીને તમે નુકસાનથી બચી શકો છો

મુંબઇ, તા.૩: એક તરફ સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તમારી પાસે ડિજિટલ ટ્રાન્જેકશનની ભલામણ કરે છે અને બીજી બાજુ આજકાલ ડિજિટલ ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યાં છે. પરંતુ બેન્ક ફ્રોડથી તમારે ગભરાવાની જરૂર નથી. હવે જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કોઇએ છેતરપિંડીથી રૂપિયા ઉપાડી લીધા હોય તો સરળતાથી તેને પરત મેળવી શકાય છે. ચાલો તમને જણાવીએ કેવી રીતે..

ભારતીય રિઝર્વ બેન્કએ તેની રીત જણાવી છે. રિઝર્વ બેન્કનું કહેવુ છે કે જો કોઇપણ અનધિકૃત ટ્રાન્જેકશન થાય તો તે બાદ પણ તમારા પૂરા રૂપિયા પરત મળી શકે છે. તેના માટે સતર્કતા જરૂરી છે. RBI કહે છે કે તેવા કોઇપણ ટ્રાન્જેકશનની જાણકારી તરત જ આપીને તમે નુકસાનથી બચી શકો છો.

રિઝર્વ બેન્કે એક ટ્વીટ કરતાં કહ્યું કે, જો અનધિકૃત ઇલેકટ્રોનિક ટ્રાન્જેકશનથી તમારુ નુકસાન થયુ હોય તો તમારુ દેવુ સીમિત જ નહી પરંતુ શૂન્ય પણ થઇ શકે છે. જો તમે તમારી બેન્કને તરત જ સૂચિત કરો. એટલે કે જો તમારા ખાતામાંથી કોઇ ગેરકાયદેસર ટ્રાન્જેકશન થયુ હોય તો તેની સૂચના તરત જ તમારી બેન્કને આપો. વિલંબ કર્યા વિના સૂચના આપવાથી તમે બચી શકો છો. આમ કરવાથી તમારા તમામ રૂપિયા તમને મળી જશે.

જાણકારોનું કહેવુ છે કે બેન્કો તરફથી સાયબર ફ્રોડને ધ્યાનમાં લેતા ઇન્શ્યોરન્સ પોલીસી લેવામાં આવે છે. બેન્ક તમારી સાથે થયેલા ફ્રોડની તમામ જાણકારી સીધી ઇન્શ્યોરન્સ કંપનીને આપશે અને ત્યાંથી ઇન્શ્યોરન્સના રૂપિયા લઇને તમારા નુકસાનની ભરપાઇ કરશે. સાયબર ફ્રોડથી બચવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ પણ લોકોને સીધુ કવરેજ આપી રહી છે.

જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કોઇએ ખોટી રીતે રૂપિયા કાઢી લે અને તમે ૩ દિવસમાં આ મામલે બેન્કમાં ફરિયાદ કરો તો તમારે આ નુકસાન નહી ઉઠાવવુ પડે. આરબીઆઇએ કહ્યું કે નિર્ધારિત સમયમાં બેન્કને સૂચના આપી દેવા પર ગ્રાહકના ખાતામાંથી છેતરપિંડી કરીને ઉપાડવામાં આવેલી રકમ ૧૦ દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં પરત આવી જશે. આરબીઆઇએ તેમ પણ કહ્યું કે જો બેન્ક એકાઉન્ટમાં થયેલી છેતરપિંડીની ફરિયાદ ૪થી ૭ દિવસ બાદ કરવામાં આવે તો ગ્રાહકે ૨૫,૦૦૦ રૂપિયા સુધીનુ નુકસાન ભોગવવુ પડશે.

(11:07 am IST)