Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

ઉત્તરાખંડમાં ભાજપના ધારાસભ્ય પર દુષ્કર્મનો આરોપ : પીડીતાએ લખ્યો પીએમને પત્ર : CBIની તપાસ માંગી

ધારાસભ્યએ બળાત્કાર ગુજારતા ગર્ભવતી બની : તેની નવજાત બાળકીનો પિતા ગણાવ્યો : વિશેષ ટીમને તપાસ સોંપાઈ

ઉત્તરાખંડમાં ભાજપનાં ધારાસભ્ય મહેશ નેગી પર બળાત્કારનો આરોપ લગાવનારી એક મહિલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીબીઆઈને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. મહિલાનો આરોપ છે કે, ભાજપનાં ધારાસભ્યએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, જેના કારણે તે ગર્ભવતી થઈ હતી. મહિલાએ ભાજપનાં ધારાસભ્યને તેની નવજાત બાળકીનો પિતા ગણાવ્યો હતો.

પીડિતાનાં વકીલ એસપી સિંહે કહ્યું કે, "તેઓએ ગુરુવારે વડા પ્રધાનને સીબીઆઈ તપાસની માંગ કરી છે કારણ કે વહીવટ અને પોલીસ આરોપી ધારાસભ્યને બચાવવા પ્રયાસ કરી રહી છે અને તેઓ યોગ્ય તપાસ ચલાવી રહ્યા નથી." તેમણે વધુમાં કહ્યું કે, ધારાસભ્યને બચાવવાનાં સ્પષ્ટ પ્રયાસમાં પોલીસ તથ્યોને વળાવી રહી છે અને મારા ક્લાયંટને આરોપી ધારાસભ્ય સાથે સમાધાન કરવાનું કહ્યું છે. તેથી સ્પષ્ટ અને ન્યાયી તપાસની આશામાં વડા પ્રધાનને પત્ર લખ્યો છે.

જોકે પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. દહેરાદૂનનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક અરૂણ મોહન જોશીએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ તપાસ અધિકારીને તેના પર વિશ્વાસ ન હોવાને કારણે બદલવાની માંગ કરી હતી. તેની માંગ સ્વીકારી અને આ કેસની તપાસ વિશેષ તપાસ ટીમને સોંપવામાં આવી હતી. અગાઉ મહિલાએ રાજ્યનાં ગૃહ સચિવને પત્ર લખીને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી, પરંતુ હજી સુધી તેનો જવાબ મળ્યો નથી. પીડિતાનાં વકીલે કહ્યું કે અમને હજી સુધી રાજ્ય સરકાર તરફથી જવાબ મળ્યો નથી. જો માંગણી પૂર્ણ નહીં થાય તો અમે આ માટે હાઇકોર્ટમાં દલીલ કરીશું.

(10:19 am IST)