Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

સરકારની જન વિરોધી, કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરૂદ્ઘ

૨૬ નવેમ્બરે કામદારોની દેશવ્યાપી હડતાલ

રેલ્વે બેંક કામદારો જોડાશે

નવી દિલ્હી, તા.૩: સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યૂનિયનોએ દેશવ્યાપી હડતાળનું આહવાન કર્યું છે. દસ કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમના સહયોગી સંગઠનોની જાહેરાત અનુસાર હડતાળ પર જવાનો નિર્ણય બે ઓકટોબરના રોજ કામદારોના ઓનલાઇન રાષ્ટ્રીય સંમેલનમાં લેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યો કે 'સંમેલનમાં તમામ કામદારોને, ભલે તે યૂનિયન સાથે જોડાયેલા હોય કે નહી, સંગઠિત ક્ષેત્ર અથવા પછી અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, સરકારની જન વિરોધી, કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરૂદ્ઘ સંયુકત સંધર્ષને તેજ કરવા ૨૬ નવેમ્બરના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાળને સફળ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને સ્વતંત્ર મહાસંદ્યો/સંદ્યો દ્વારા સંયુકત રૂપથી ઓનલાઇન આયોજિત કામદારોના રાષ્ટ્રીય સંમેલન મહામારી વચ્ચે પહેલીવાર યોજાયું છે. ટ્રેડ યૂનિયનોએ આરોપ લગાવ્યો કે જયાં તમામ સંકેત એ જણાવી રહ્યા છે કે માંગમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થામાં ભારે દ્યટાડો આવી રહ્યો છે, સરકાર બિઝનેસને સુગમતાના નામે પોતાની નીતિઓને આગળ વધારી રહી છે. તેનાથી નિર્ધનતા તથા સંકટ વધુ ગાઢ બની રહ્યું છે.

સંમેલનમાં કામદારો સાથે સંયુકતરૂપથી રાજય/જિલ્લા/ઉદ્યોગ/ક્ષેત્ર સ્તર પર જયાં પણ સંભવ હોય, ભૌતિક રૂપથી અન્યથા ઓનલાઇન સંમેલન ઓકટોબરના અંત સુધી આયોજિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ શ્રમ સંહિતાઓના કામદારો પર પડનાર દુષ્પ્રભાવ વિશે વ્યાપક અભિયાન નવેમ્બરના મધ્ય સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ૨૬ નવેમ્બર ૨૦૨૦ના દિવસે હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં સામેલ શ્રમિક સંગઠનોમાં ઇંટક (ઇન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ) એટક (ઓલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ), એચએમએસ (હિંદ મજદૂર સભા), સીટૂ (સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યૂનિયન), એઆઇયૂટીયૂસી (ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ટ્રેડ યૂનિયન સેન્ટર), ટીયૂસીસી (ટ્રેડ યૂનિયન કોર્ડિનેશન સેન્ટર), સેવા (સેલ્ફ એમ્પ્લાઇડ વુમેન્સ એસોસિએશન), એઆઇસીસીટીયૂ (ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યૂનિયન), એલપીએફ (લેબર પ્રોગ્રેસિવ ફેડરેશનલ), યૂટીયૂસી ( યૂનાઇટેડ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ) અને સ્વતંત્ર મહાસંદ્યો અને સંઘ સામેલ થયા.

(9:46 am IST)