Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

હવે મોંઘા થઇ જશે સ્માર્ટફોન

ડિસ્પ્લેની આયાત પર ૧૦ ટકા ડ્યુટી

નવી દિલ્હી તા. ૩ : આવતા દિવસોમાં મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે. કેન્દ્ર સરકારે ડિસ્પ્લેની આયાત પર ૧૦ ટકા ડ્યુટી લગાવી છે. ભારતીય સેલ્યુલર અને ઇલેકટ્રોનિકસ એસોસિએશન (આઈસીઇએ) એ આ માહિતી આપી છે. આઈસીઈએએ કહ્યું છે કે સરકારના આ નિર્ણયથી મોબાઇલ ફોન્સની કિંમતો ત્રણ ટકા સુધી વધી શકે છે.આઈસીઇએના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ મહેન્દ્રુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આનાથી મોબાઇલ ફોનના ભાવમાં દોઢથી ત્રણ ટકાનો વધારો થશે.

મહેન્દ્રએ કહ્યું, 'કોવિડ -૧૯ રોગચાળો અને રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) પ્રતિબંધને કારણે ઉદ્યોગ પૂરતા પ્રમાણમાં ડિસ્પ્લે એસેમ્બલીઓના ઉત્પાદનમાં વધારો કરી શકયો નથી. આમાં ઉદ્યોગ અપેક્ષા મુજબ વિકાસ કરી શકયો નહીં. અમે કટિબદ્ઘ છીએ. જોકે હવે અમારૂ ધ્યાન ફકત આયાત પર નહીં પણ વૈશ્વિક બજારમાં મોટો હિસ્સો મેળવવા પર છે.'

આ ચાર્જ ૧ ઓકટોબરથી ડિસ્પ્લે એસેમ્બલી અને ટચ પેનલ પર લાદવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આઈસીઇએના સભ્યોમાં એપલ, હ્યુઆવેઇ, શિઓમી, વિવો અને વિનસ્ટ્રોન જેવી કંપનીઓ શામેલ છે.

હકીકતમાં વર્ષ ૨૦૧૬માં જાહેર કરાયેલા તબક્કાવાર મેન્યુફેકચરિંગ પ્રોગ્રામ (પીએમપી) હેઠળ, ઉદ્યોગ સાથે સમજૂતી મૂકવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પીએમપીનો હેતુ ઘટકોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે અને ત્યારબાદ તેમના આયાતને ઘટાડવાનો છે.

વેદાંત ગ્રૂપના અધ્યક્ષ અનિલ અગ્રવાલ દ્વારા પ્રમોટ કરાયેલા વોલ્કોન ઇન્વેસ્ટમેંન્ટ ૨૦૧૬માં ટ્વીનસ્ટાર ડિસ્પ્લે ટેકનોલોજીસના નામથી દેશની પ્રથમ એલસીડી મેન્યુફેકચરિંગ ફેકટરી સ્થાપવાની દરખાસ્ત કરી હતી. આ પર ૬૮,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું. જો કે, આ દરખાસ્તને સરકારની મંજૂરી મળી ન હતી અને પ્રોજેકટ આગળ વધ્યો ન હતો.

(9:44 am IST)