Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જો રાહુલ ગાંધી ના પાડે તો કોંગ્રેસ અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ બનાવી શકે : ગુજરાતમાં સંભાળી ચૂક્યા છે જવાબદારી

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને પણ આ જવાબદારી સોંપવા રાજી નથી : સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરમાં નવા અધ્‍યક્ષ પસંદ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી

નવી દિલ્લી તા.03 : કોંગ્રેસમાં જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે ઈનકાર કરશે તો પાર્ટી અશોક ગહેલોતને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે. તેવું સૂત્રો દ્વારા  જાણવા મળ્યું છે. મળતી વિગત મુજબ, રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

 

રાહુલે અત્યાર સુધી સ્પષ્ટ જવાબ નથી આપ્યો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા કહ્યું હતું. તેથી જ તો પાર્ટી અશોક ગહેલોતના નામ પર વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં પાર્ટીના મામલોમાં તેમની સક્રિયતા વધી છે. જો કે, અશોક ગહેલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદ છોડવા નથી માગતા. પણ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધીને મનાવાની કોશિશ થઈ રહી છે. પણ જો રાહુલ ગાંધી ફાઈનલી ના પાડશે તો, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતને અધ્યક્ષ બનાવાની સંભાવના પર વિચાર થઈ રહ્યો છે.

20 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયાનું શિડ્યૂલ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ જ્યારે પદ છોડ્યું હતુ, ત્યારે પાર્ટી માટે ગાંધી પરિવારથી ઈતરની વકિલાત કરી હતી. ત્યાર બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકનું નામ અધ્યક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. પણ કેટલાય બાકીના નેતાઓએ સોનિયા ગાંધીના નામની ભલામણ કરીને વચગાળાના અધ્યક્ષ બનાવવા માટે રાજી થયાં.

સૂત્રોનું એવુ પણ કહેવુ છે કે, હવે ફરીથી રાહુલ ગાંધીને મનાવાની કોશિશ થશે. તેમના નહીં માનવા પર ગાંધી પરિવારથી ઈતર રાજસ્થાનના સીએમનું જોર શોરથી ચર્ચામા આવ્યું છે. પણ તેઓ મુખ્યમંત્રી પદ છોડવા માગતા નથી. ગાંધી પરિવારથી ઈતર નામને લઈને રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ અધ્યક્ષ પદ પર જોવા નથી માગતા. ત્યારે આવા સમયે કોંગ્રેસની કમાન કોના હાથમાં તે સૌથી મોટો સવાલ છે.

(8:30 pm IST)