Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસને લઈ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો : કહ્યું – “સોનિયા અને રાહુલ જેલમાં જશે”

સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપના જ નેતાઓને લપેટામાં લેતા કહ્યું- “ભાજપના કેટલાક લોકો પણ સોનિયા-રાહુલને બચાવવા માંગતા હતા”

નવી દિલ્લી તા.03 : નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાંસોનિયા ગાંધી અને રાહુલની પૂછપરછ બાદ ED નેશનલ હેરાલ્ડની ઓફિસમાં દરોડા પાડ્યા હતા, ત્યારે સમગ્ર મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, સોનિયા અને રાહુલ જેલમાં જશે.  તેમજ તેમણે ભાજપના જ નેતાઓ વિરુધ્ધ આક્ષેપ કરતાં કહ્યું હતું કે - ભાજપના કેટલાક લોકો પણ સોનિયા-રાહુલને બચાવવા માંગતા હતા.

નેશનલ હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે ભ્રષ્ટાચારના પુરાવા છે. સ્વામીની નારાજગી પાર્ટી પ્રવક્તાઓ પ્રત્યે પણ છે. તેમણે કહ્યું- પ્રવક્તા કહે છે કે ભાજપે આ બધું કર્યું છે. જ્યારે હું આટલી મહેનત કરતો હતો, ત્યારે તે આરામ ફરમાવતા હતા.

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા-રાહુલ EDની પૂછપરછ અને હવે નેશનલ હેરાલ્ડના 10 થી વધુ સ્થળો પર દરોડા મામલે તેમણે કહ્યું કે તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. સોનિયા અને રાહુલની પૂછપરછમાં તેઓએ એટલું જ કહ્યું કે અમને કંઈ ખબર નથી. તેણે આખો દોષ મોતીલાલ વોરાના માથે નાખ્યો. હવે તે આ દુનિયામાં નથી, તેથી તે પણ પોતાની ઈજ્જત બચાવવા કંઈ બોલી શકે તેમ નથી. ED હવે સાચા ટ્રેક પર છે, કારણ કે આ કેસમાં દસ્તાવેજો જોવા એ સૌથી મહત્વની બાબત છે. તે કહે છે કે એસોસિયેટ જર્નલ લિમિટેડ (AJL) પર 90 કરોડ રૂપિયાનું દેવું હતું, પરંતુ એક રૂપિયો પણ નથી. તેણે આ બહાનું કાઢ્યું. તેણે કંપનીને યંગ ઈન્ડિયાને માત્ર 50 લાખ રૂપિયામાં વેચી દીધી. નેશનલ હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગનો ચોથો માળ આ ભ્રષ્ટાચારના પુરાવાઓથી ભરેલો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ વાદધુમાં કહ્યું હતું કે, સોનિયા અને રાહુલે સૌપ્રથમ 5 લાખ શેર મૂડી પર યંગ ઈન્ડિયા લિમિટેડ (YIL) નામની કંપની બનાવી. આ પછી, તેમણે 90 કરોડના દેવા સાથે કોંગ્રેસનું આર્મ એસોસિયેટ જર્નલ લિમિટેડ (AJL), માત્ર 50 લાખમાં ખરીદ્યું. તેઓએ દાવો કર્યો કે AJLમાં કંઈ બચ્યું નથી, માત્ર દેવું છે, તેમ છતાં અમે 50 લાખ ચૂકવીને ખરીદી કરી રહ્યા છીએ. આ રીતે AJLના મોટાભાગના શેર રાહુલ અને સોનિયાના નામે ગયા.

સુબ્રમણ્યમ સ્વામીએ ઉમેરતા કહ્યું કે, હવે કૌભાંડ અહીં જ છે - સૌપ્રથમ આ 90 કરોડની લોન હતી કે નહોતી, આ બધું જુઠ્ઠું છે. જો તે 90 કરોડ હોત તો કોંગ્રેસ નેશનલ હેરાલ્ડની મિલકતોની હરાજી કરી શકી હોત તો તેને 2500 કરોડ સરળતાથી મળી ગયા હોત. જો હરાજી થઈ હોત, તો આ રકમ લોન લેનારાઓ અને AJL પાસે ગઈ હોત. તેણે માત્ર 50 લાખ ચૂકવીને આટલી મોટી કંપની પોતાના નામે કરી. બધા જાણે છે કે આ મની લોન્ડરિંગ કંપની છે. સોનિયા અને રાહુલ આ રકમ વિદેશી ચલણના રૂપમાં લાવ્યા હશે અને તેમને આ રકમ ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવી છે, આ જ સમગ્ર મુદ્દો છે.

સ્વામીએ 2013માં આ મામલે કવાયત શરૂ કરી હતી અને 2022માં મામલો દરોડા સુધી પહોંચ્યો છે. આ મામલે સ્વામીનું કહેવુ છે કે, આમાં કંઈ નવું નથી. અમે કોર્ટમાં સાબિત કર્યું છે કે આ કેસમાં કૌભાંડ થયું છે. અહી બેઇમાની, કૌભાંડ, ષડયંત્ર કરવામાં આવ્યું છે. અમે તેમને 4 મોટા ગુનાઓમાં ઉભા કર્યા. જે બાદ તેને જામીન લેવા પડ્યા હતા. તેઓ દરેક કેસમાં હાઈકોર્ટમાં જતા હતા. મને લાગે છે કે તેમાં ઓછામાં ઓછો સમય લાગ્યો.

કેસમાં આગળ શું થશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ (સોનિયા-રાહુલ) જેલમાં જશે. તેમને પહેલા જેલમાં રાખવામાં આવશે, પછી તેમને કોર્ટમાં આવવું પડશે. દલીલો બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સજા આપવામાં આવશે. મારી દૃષ્ટિએ તેઓ ગુનેગારો છે. મેં તમામ દસ્તાવેજો જોયા પછી જ કેસ કર્યો છે અને હું એક પછી એક પગલું જીતીને બહાર આવ્યો છું. અરુણ જેટલીના કારણે થોડું મોડું થયું. અમારી પાર્ટીમાં એવા પણ કેટલાક લોકો હતા જેઓ રાહુલ-સોનિયાને બચાવવા માંગતા હતા, પરંતુ મેં આ લડાઈ એકલા હાથે લડી છે. આ કેસમાં ઈડી અને ઈન્કમટેક્સ મારી વિનંતી પર આવ્યા છે. આમાં સરકારી ક્રેડિટ નથી. પાર્ટીના પ્રવક્તા કહે છે કે ભાજપે આ કર્યું છે. જ્યારે હું બધી મહેનત કરતો હતો ત્યારે તે આરામ ફરમાવતા હતા.

(8:27 pm IST)