Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

રાજસ્‍થાનના જેસલમેરમાં પોખરણ ફાયરીંગ રેન્‍જમાં ગાયને શોધવા નીકળેલા યુવકની હત્‍યાઃ જવાનોએ માર મારતા મોત થયાનો આક્ષેપ

આરોપીની ધરપકડઃ પરિવારજનને નોકરી અને 50 લાખ વળતરની માંગ

નવી દિલ્‍હીઃ રાજસ્‍થાનના જેસલમેરમાં પોખરણ ફાયરીંગ રેન્‍જમાં ગાયને શોધવા નીકળેલા યુવકની હત્‍યા થતા જવાનો સામે માર મારતા મોત થયાના આક્ષેપ કરાયા છે.

રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ફાયરિંગ રેન્જમાં એક વ્યક્તિની હત્યાની ઘટના સામે આવી છે. આ મામલે જેસલમેર પોલીસે સેનાના છ જવાનો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જ્યારે સેનાએ આ આરોપોનો ઇનકાર કર્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે મૃતક બાઇકથી પોતાના સાથી સાથે ભટકી ગયેલી ગાયને શોધવા માટે ફાયરિંગ રેન્જ પહોચ્યો હતો.

શું છે આખી ઘટના?

જેસલમેર પોલીસ દ્વારા દાખલ ફરિયાદમાં ઉસ્માન ખાને જણાવ્યુ કે તે સલમાન સાથે સવારે સાડા આઠ વાગ્યે ગાયને શોધવા માટે નીકળ્યો હતો. કલાક પછી તે ફાયરિંગ રેન્જ વિસ્તારમાં પહોચ્યો હતો. 10 વાગ્યાની નજીક અમને એક સેનાનું વાહન જોવા મળ્યુ હતુ જેને અમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે ડરને કારણે રોકાયા નહતા. એવામાં છ જવાનોએ અમારો પીછો કરવાનું શરૂ કર્યુ હતુ.

ઉસ્માન અનુસાર, તે સમયે સલમાન બાઇક ચલાવતો હતો પરંતુ થોડુ આગળ જતા બાઇક રેતના ઢગલામાં ફસાઇ ગઇ હતી, પછી અમે બન્ને બાઇક મુકીને દોડવા લાગ્યા હતા. ઉસ્માન અનુસાર તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો પણ સેનાના જવાનોએ સલમાન ખાનને પકડી લીધો હતો, તે જવાનોએ સલમાનને માર માર્યો હતો અને હોસ્પિટલમાં છોડી મુક્યો હતો.

ઉસ્માને જણાવ્યુ કે સલમાનને માર મારનારા છ જવાનોના નામ રણવિજય યાદવ, રામલુભવન રામ, વીએમ સુભાન, કરનજીત સિંહ, કે.કાનન અને વિવેક કુમાર છે. આ લોકોએ જ સલમાનને હોસ્પિટલમાં છોડ્યા હતા, જે બાદ તેને પોખરણ હોસ્પિટલ લઇ જવાની વાત ડૉક્ટરને કરી હતી, તે બાદ તેને ત્યા જ દમ તોડ્યો હતો. એસએચઓ અશોક કુમાર અનુસાર અન્ય કલમમાં લાઠી પોલીસ સ્ટેશનમાં હત્યા (302) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સેનાએ આરોપોનું ખંડન કરતા કહ્યુ કે પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાના જવાનોને સલમાન પહેલા જ બેભાન મળ્યો હતો. સેનાએ એક નિવેદનમાં કહ્યુ કે 1 ઓગસ્ટ સવારે આશરે 11.30 વાગ્યે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બે યુવક જોવા મળ્યા હતા જે સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હતા. જ્યારે સેનાનું પેટ્રોલિંગ દળ તેમની પાસે પહોચ્યુ તો એક વ્યક્તિ ભાગી ગયો હતો અને બીજો ઘાયલ પડેલો મળ્યો હતો.

પેટ્રોલિંગ દળે યુવકને તુરંત હોસ્પિટલ પહોચાડ્યો હતો જ્યા બાદમાં તેને અંતિમ શ્વાસ લીધા હતા. સેના અને પોલીસ બન્ને સંયુક્ત રીતે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મોત બાદ સલમાનના સબંધીઓએ એસડીએમ ઓફિસમાં તેના શબ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ જેમાં આરોપીની ધરપકડ, એક પરિવારજનને નોકરી અને 50 લાખ રૂપિયા વળતરની માંગ કરવામાં આવી હતી.

(4:47 pm IST)