Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

‘રેવડી કલ્‍ચર' મામલે સુપ્રિમ લાલઘુમ : રોકવા માંગ્‍યા સૂચન

બધુ જ ફ્રીમાં આપવાના મુદ્દાની અસર ઇકોનોમી ઉપર પડે છે : જનહીત અરજી ઉપર ૧૧ ઓગસ્‍ટે વધુ સુનાવણી થશે : સરકાર - ચૂંટણી પંચ દરેક ચીજ મફતમાં આપવાના ‘રેવડી કલ્‍ચર'ને રોકવા વિચાર કરે : કોર્ટ

નવી દિલ્‍હી તા. ૩ : સુપ્રીમ કોર્ટે દેશભરમાં ચૂંટણી પહેલા રેવડી કલ્‍ચરને ખત્‍મ કરવા અંગે સખ્‍ત વલણ અપનાવ્‍યું છે. કોર્ટે એકવાર ફરી કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે. ચૂંટણીપંચ અને સરકાર પાછા પગ કરી શકે નહિ અને એમ પણ કહી શકે નહિ કે તેઓ કંઇ પણ કરી શકે તેમ નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, સરકાર અને ચૂંટણી પંચ તેના પર રોક લગાવા માટે વિચાર કરે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચૂંટણી અગાઉ દરેક રાજનૈતિક પક્ષો જનતાને આકર્ષવા માટે અનેક પ્રકારની લોકલુભાવન યોજનાનું એલાન કરે છે. ખાસ કરીને દરેક વસ્‍તુને ફ્રીમાં આપવાનું કહેવાની પ્રથા બની ગઇ છે. તેને સામાન્‍ય ભાષામાં ‘રેવડી કલ્‍ચર' કહેવાય છે.
સર્વોચ્‍ચ અદાલતે ફ્રી બી એટલે કે ‘રેવડી કલ્‍ચર'નો સામનો કરવા માટે નિષ્‍ણાત સંસ્‍થાની રચના કરવાની હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું કે તેમાં કેન્‍દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ, આરબીઆઈ અને અન્‍ય હિસ્‍સેદારોનો સમાવેશ થવો જોઈએ. સાથે જ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંસ્‍થામાં મફતમાં મળનારા અને તેનો વિરોધ કરનારાઓનો સમાવેશ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ મુદ્દો દેશની અર્થવ્‍યવસ્‍થા પર સીધી અસર કરે છે. આ બાબતે એક સપ્તાહમાં આવી નિષ્‍ણાત સંસ્‍થાની દરખાસ્‍ત માંગવામાં આવી છે. હવે આ પીઆઈએલ પર આગામી સુનાવણી ૧૧ ઓગસ્‍ટના રોજ થશે.
સુપ્રીમ કોર્ટમાં, મતદાન દ્વારા સરકાર બનાવવાના બદલામાં જનતાને મફતમાં સામાન આપવાનું વચન આપનારા પક્ષકારો વિરૂદ્ધ કાર્યવાહી માટેની અરજી પર, અરજદારના વકીલ વિકાસ સિંહે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કેવી રીતે દેશ રાજય અને લોકો પર બોજ વધે છે. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આનાથી મતદાતાના પોતાના અભિપ્રાયને હચમચાવે છે. આવા વલણથી આપણે આર્થિક વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ.
ચૂંટણીમાં મુક્‍ત જાહેર કરવાના વચન સામે અશ્વિની ઉપાધ્‍યાયની અરજી પર કેન્‍દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે આ અરજીને સમર્થન આપીએ છીએ. મફત આપવી એ અર્થતંત્ર માટે ખતરો છે. આ વર્ષે જાન્‍યુઆરીમાં ચીફ જસ્‍ટિસ એનવી રમના અને જસ્‍ટિસ એએસ બોપન્ના અને જસ્‍ટિસ હિમા કોહલીની બેન્‍ચે આ મામલે કેન્‍દ્ર અને ચૂંટણી પંચ બંને પાસેથી જવાબ માંગ્‍યો હતો.

 

(4:05 pm IST)