Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

૧૪ વર્ષ પહેલા ભારત આવ્‍યા હતા નૈંસી પેલોસી અને ચીન થયુ હતુ લાલઘુમ

૨૦૦૮માં નૈંસીએ ૯ સાંસદોની સાથે દલાઇલામા સાથે કરી હતી મુલાકાત

નવી દિલ્‍હી તા. ૩ : યુએસ સેનેટ સ્‍પીકર નેન્‍સી પેલોસીની તાઈવાન મુલાકાતની વિશ્વભરમાં ચર્ચા છે. પેલોસીની આ મુલાકાતથી ચીન ગુસ્‍સે થઈ ગયું છે. આ પ્રવાસ દરમિયાન પણ ચીનના ૨૧ ફાઈટર પ્‍લેન તાઈવાનના એર ડિફેન્‍સ ઝોનમાં પ્રવેશ્‍યા હતા. ચીનની તમામ ધમકીઓ છતાં નેન્‍સી પેલોસી તાઈવાન પહોંચી. એટલું જ નહીં, તેમણે તાઈવાનની ધરતી પરથી ચીનને સ્‍પષ્ટ સંદેશો આપ્‍યો કે અમેરિકા તાઈવાનમાં લોકતંત્રની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, દુનિયામાં લોકશાહી અને આપખુદશાહી વચ્‍ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા તાઇવાનને આપેલા વચનોથી પાછળ નહીં હટશે. નેન્‍સી પેલોસી દ્વારા તાઇવાનને સમર્થન એ ચીન માટે ‘ઘા પર મીઠું છાંટવા' જેવું છે. પરંતુ આ પહેલીવાર નથી જયારે નેન્‍સી પેલોસીએ ચીનના દર્દ પર હાથ મૂક્‍યો હોય, તે ૧૯૯૧ અને ૨૦૦૮માં પણ ચીન માટે મોટો પડકાર બની ચૂકી છે.

નેન્‍સી પેલોસી યુએસ સેનેટના સ્‍પીકર છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પછી સ્‍પીકર યુએસમાં ત્રીજું સર્વોચ્‍ચ પદ છે. નેન્‍સીની આ ચોથી ટર્મ છે અને આ વખતે તે ૨૦૧૯થી આ પદ પર છે. નેન્‍સી ૮૧ વર્ષની છે. તે રાજકીય પરિવારમાંથી આવે છે. તેના પિતા બાલ્‍ટીમોરના મેયર રહી ચૂક્‍યા છે. તેઓ કોંગ્રેસમાં પણ ૫ વખત શહેરનું નેતૃત્‍વ કરી ચુક્‍યા છે. નેન્‍સીના ભાઈ બાલ્‍ટીમોરના મેયર પણ રહી ચૂક્‍યા છે. આ પહેલીવાર નથી જયારે નેન્‍સી પેલોસીએ ચીનને ચીડવ્‍યું હોય. ચીન સાથેની તેમની ગડબડ લગભગ ત્રણ દાયકા જૂની છે. તે લાંબા સમયથી ચીનની સત્તાધારી કોમ્‍યુનિસ્‍ટ પાર્ટીનો વિરોધ કરી રહી છે.

નેન્‍સી પેલોસી ૨૦૦૮માં ભારતની મુલાકાતે આવી હતી. આ દરમિયાન તેઓ ધર્મશાળામાં તિબેટના આધ્‍યાત્‍મિક નેતા દલાઈ લામાને મળ્‍યા હતા. ચીન દલાઈ લામાને પોતાનો દુશ્‍મન માને છે. નેન્‍સી પેલોસીની આ મુલાકાતનો ચીને પણ જોરદાર વિરોધ કર્યો હતો. તેમ છતાં નેન્‍સી નવ સાંસદો સાથે દલાઈ લામાને મળી હતી.

૨૦૧૭માં જયારે નેન્‍સી પેલોસી ભારત આવી ત્‍યારે તે દલાઈ લામાને પણ મળી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમેરિકા તિબેટના લોકો, તેમની આસ્‍થા, સંસ્‍કૃતિ અને ભાષા પ્રત્‍યે પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરે છે.

(3:29 pm IST)