Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શું વોડાફોન - આઇડિયા બંધ થશે ? પ્રમોટર બિરલાએ પોતાનો હિસ્સો સરકારને સોંપવાની ઓફર કરી

નવી દિલ્હી તા. ૩ : આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ દેવામાં ડૂબેલી વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) માં પોતાનો હિસ્સો સરકાર કે અન્ય કોઈ એકમને સોંપવાની ઓફર કરી છે જે અંગે સરકાર કંપનીનું સંચાલન ચાલુ રાખી શકે છે. અબજોપતિ ઉદ્યોગપતિ બિરલાએ જૂનમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને લખેલા પત્રમાં આ ઓફર કરી હતી.

સત્ત્।ાવાર માહિતી અનુસાર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પર વોડાફોન આઈડિયા લિમિટેડ ની કુલ જવાબદારી ૫૮,૨૫૪ કરોડ રૂપિયા છે. તેમાંથી કંપનીએ રૂ.૭,૮૫૪.૩૭ કરોડ ચૂકવ્યા છે અને હજુ પણ રૂ ૫૦,૩૯૯.૬૩ કરોડ બાકી છે. VIL અને ભારતી એરટેલે સરકારની AGR ની ગણતરીમાં સુધારા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી.

બિરલા VILમાં ૨૭ ટકા હિસ્સો ધરાવે છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે રોકાણકારો AGR જવાબદારી, સ્પેકટ્રમની ચુકવણી માટે પૂરતો સમય અને સૌથી અગત્યનું, સેવાઓના દર લઘુતમ કિંમતથી ઉપર રાખવાની જોગવાઈ ન હોવાના કારણે કંપનીમાં રોકાણ કરવા તૈયાર નથી. તાજેતરમાં સરકારે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) રૂટ દ્વારા રૂ .૧૫,૦૦૦ કરોડ સુધીના રોકાણ માટે વોડાફોન આઇડિયા (VI)ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

બિરલાએ ૭ જૂને આ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે જુલાઈ સુધીમાં આ ત્રણ મુદ્દાઓ પર સરકાર તરફથી તાત્કાલિક સક્રિય સહયોગના અભાવમાં VILની આર્થિક સ્થિતિ ડૂબવાના આરે પહોંચી જશે, જેને સંભાળવું મુશ્કેલ બનશે.

બિરલાએ કહ્યું કે VIL સાથે સંકળાયેલા ૨૭ કરોડ ભારતીયો પ્રત્યે અમારી ફરજ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હું કંપનીમાં મારો હિસ્સો સરકારને અથવા સરકારના આદેશ પર કોઈ એકમને સોંપવા તૈયાર છું જે કંપનીની કામગીરી ચાલુ રાખવા સક્ષમ છે.

(10:28 am IST)