Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

૭માં પગાર પંચથી કોર્પોરેશનના કર્મચારીઓ ૧૧-૧૧ મહીનાથી વંચીતઃ પેન્શનરોની હાલત કફોડી

રાજકોટ તા. ૩ :.. કેન્દ્ર સરકારે ૭મું  પગાર પંચ લાગુ કરી દીધું છે પણ કોર્પોરેશનના કર્મચારીઓ તેના લાભથી ૧૧-૧૧ મહિનાથી વંચિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ મહાનગરપાલીકામાં ફરજ બજાવતા અને નિવૃત કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતની રકમ અને મોંઘવારી ભથ્થુ હજુ સુધી મળ્યુ ન હોવાનું જાણવા મળ્યું છે. તહેવારોની સીઝન આવી રહી છે. ત્યારે નાના કર્મચારીઓને ૧૦ થી રપ હજાર જેટલી રકમ મળવા પાત્ર છે છતાં પણ તંત્રનું પેટનું પાણી ન હલતુ નથી.

કોર્પોરેશનના યુનિયન દ્વારા કમીશ્નરશ્રીને આ મુદ્ે વાત કરવામાં આવતા તેમણે જણાવેલ કે હાલ મહાનગરપાલીકાની આર્થિક સ્થિતિ આટલો ભાર સહન કરી શકે તેમ નથી. વ્યવસ્થા થયે તુરંત ચુકવણું કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું.

મહાનગરપાલીકામાંથી નિવૃત થયેલ સફાઇ કામદારથી લઇને ઉચી પોસ્ટ ધરાવતા પૂર્વ કર્મચારીઓને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પેન્શન ઉપર ઘર ચલાવવુ આજના મોંઘવારીના જમાનામાં મુશ્કેલ બન્યુ છે. ત્યારે જો આ રકમ ત્વરીત મળે તો તેમને આવનાર તહેવારોમાં સહાયરૂપ બની શકે છે. આવા ૪૦૦ થી પ૦૦ નિવૃત કર્મચારીઓ કોર્પોરેશન દ્વારા મળવાપાત્ર રકમની રાહ જોઇને છેલ્લા ૧૧-૧૧ મહીનાથી બેઠા છે. કોર્પોરેશન તંત્ર પોતાના જ પરિવારના પૂર્વ  સભ્યોની વ્યથા સમજી તાત્કાલીક ચુકવણીના પગલા ભરે તેવી નિવૃત કર્મચારીઓની લાગણી છે. (પ-ર૬)

(4:13 pm IST)