Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

મેહુલ ચોકસીના કોંગ્રેસ સાથે સંબંધો હતા

એન્ટીગુઆ સ્થિત એટર્નીનો દાવો

નવી દિલ્હી તા. ૩ : પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના એન્ટીગુઆ સ્થિત વકીલ ડો.ડેવિડ ડોરસેટનો દાવો છે કે ભાગેડુ ભારતીય બિઝનેસમેન મેહુલ ચોકસીને કોંગ્રેસ પક્ષ સાથે નિકટના સંબંધો હતા.

વાસ્તવમાં એન્ટીગુઆથી એબીએસ ટેલિવિઝનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડો.ડોરસેટે મેહુલ ચોકસી વતી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે તેમના અસીલ મેહુલ ચોકસીને નિકટના સંબંધો હોવાના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. પરિણામે આ મામલો રાજકીય પ્રેરિત છે કે કેમ? તે અદાલત માટે અદાલતનો વિષય છે, જે પ્રત્યાર્પણ કાયદાની કલમ-૮ અંતર્ગત આવે છે.

મેહુલ ચોકસીના વકીલના દાવા પર પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે આ વાત એ સંદર્ભમાં મહત્વપૂર્ણ છે કે મેહુલ ચોકસીના વિદેશી એટર્ની જાહેરમાં જયારે તેમના કોંગ્રેસ સાથેના સંબંધોને ટીવી ઇન્ટરવ્યૂમાં સમર્થન આપી રહ્યા હોય ત્યારે કોંગ્રેસને મેહુલ ચોકસી સાથે ખરેખર સંબંધો હતા કે કેમ? તે અંગે કોંગ્રેસે ખુલાસો કરવો જોઇએ.

રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભાજપે અગાઉ પણ એવા સંકેત આપ્યા હતા કે તત્કાલીન નાણાં પ્રધાન પી.ચિદમ્બરમે ડાયમંડની આયાત કરવાના અધિકાર ધરાવતી કંપનીઓની યાદીનો વિસ્તાર કર્યો હતો અને મેહુલ ચોકસી કંપનીના એક લાભાર્થી હતા. આ નિર્ણય ર૦૧૪ની લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાતના એક દિવસ પહેલાં લેવામાં આવ્યો હતો અને કોંગ્રેસે હજુ સ્પષ્ટ કર્યું નથી કે આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો હતો.(૨૧.૩૦)

(4:01 pm IST)