Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

જેટ એરવેઝ હવામાંથી ખોટના ખાડામાં : ખર્ચમાં કપ નહીં મુકાય તો 6 મહિનામાં જ એરલાઇન બંધ કરવાની નોબત

ન્યુદિલ્હી : ગયા વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 50 કરોડનો નફો નોંધાવનાર જેટ એરલાઇન્સ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એક હજાર કરોડ રૂપિયાની નુકશાની થવાની શક્યતા છે. પગારમાં ઘટાડા સહિત ખર્ચકાપનાં પગલાં નહીં લેવાય તો એરલાઇન 60 દિવસથી વધુ ચાલી નહીં શકે. જેટ એરવેઝના બે એક્ઝિક્યુટિવ્સે ETને જણાવ્યું હતું કે, “ચેરમેન નરેશ ગોયલ સહિત મેનેજમેન્ટ ટીમે કર્મચારીઓને કંપનીની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાની માહિતી આપી છે અને ખર્ચ ઘટાડવા માટે તાત્કાલિક પગલાંની જરૂરિયાત જણાવી છે.”

જેટ એરવેઝના એક સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “અમને જણાવાયું છે કે, એરલાઇન બે મહિનાથી વધુ ચાલી શકે તેમ નથી. મેનેજમેન્ટે પગારકાપ દ્વારા ખર્ચકાપનાં પગલાં લેવાં જરૂરી છે. અમને ચિંતા છે કે, એરલાઇને અમને આટલાં વર્ષો સુધી નાણાકીય બાબતોની માહિતી આપી ન હતી. તેને લીધે મેનેજમેન્ટમાં કર્મચારીઓનો વિશ્વાસ ઘટ્યો છે.”

એરલાઇનના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, એરલાઇને જુદાજુદા વિભાગના લોકોની છટણી શરૂ કરી છે. એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને આ બાબતે નિર્દેશ આપી દેવાયો છે. બે એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, “એન્જિનિયરિંગ વિભાગમાં દિલ્હી માટેના હેડ ઓફ લાઇનને પાણીચુ પકડાવી દેવાયું છે. ઉપરાંત, કેબિન ક્રૂ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેગમેન્ટમાં કામ કરતા કર્મચારીઓની નોકરી પણ જોખમમાં છે.”

(11:36 am IST)