Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કરાચી પાસે બસ-ટ્રેન વચ્ચે ટક્કરથી ૨૯ શિખોનાં મોત

શિખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પરત આવતા હતા : છ જણાને ઈજા થઈ : ફાટક વિનાની રેલવે લાઈન પર બસની ડ્રાઈવરની ગફલત, તપાસના આદેશ અપાયા

લાહોર, તા. ૩ : પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે બપોરે એક ગમખ્વાર ટ્રેન દુર્ઘટનામાં ૨૯ શિખ શ્રદ્ધાળુના મોત થયા હતાં અને છને ઈજા પહોંચી હતી. શિખ શ્રદ્ધાળુ એક બસમાં લાહોરથી કરાચી જઇ રહ્યા હતા ત્યારે તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે અથડાઇ ગઇ હતી. આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી. રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નીકળી રહી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે.

             રિપોર્ટ પ્રમાણે બધા શિખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પરત આવી રહ્યા હતા. પાકિસ્તાનમાં ગત વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઇ હતી. તેમાં ૮૯ લોકોનાં મોત થયા હતાં. હાલમાં આ ઘટના અંગેનો ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો નવાઝ શરીફના સમયનો હતો. ત્યારે ઈમરાને રેલવે દુર્ઘટના બાદ રેલમંત્રીના રાજીનામાની માગણી કરી હતી. જોકે, તેજગામ દુર્ઘટના બાદ રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો. ગયા વર્ષે ૧ જુલાઇ ૨૦૧૯ના સાદિકાબાદમાં માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની ટક્કરમાં ૧૧ લોકોના મોત થયા હતાં.

(7:24 pm IST)