Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

‘હૈશનવાઇ' શહેરના કારણે ચીન અને રશિયા વચ્‍ચે યુદ્ધ થવાની સંભાવનાઃ વર્ષ 1860 અગાઉ તે ચીનનો ભાગ હતોઃ એકતરફી સંધી દ્વારા તેને છીનવી લેવાયુ હતુ

નવી દિલ્હી: દક્ષિણ ચીન સાગરથી લઈને લદાખ સુધી પાડોશી દેશોની જમીન પર કબજો જમાવવાની ફિરાકમાં લાગેલા ચીને હવે વધુ એક મોરચો ખોલ્યો છે. ચીનની સરકારી ન્યૂઝ ચેનલ સીજીટીએનના સંપાદક શેન સિવઈએ દાવો કર્યો છે કે રશિયાનું વ્લાદિવોસ્તોક શહેર વર્ષ 1860 અગાઉ ચીનનો ભાગ હતો. તેમણે કહ્યું કે આ શહેરને પહેલા હેશનેવાઈ નામથી ઓળખવામાં આવતું હતું અને રશિયા સાથે એકતરફી સંધિ દ્વારા છીનવી લેવામાં આવ્યું.

હકીકતમાં વ્લાદિવોસ્તોક શહેરની સ્થાપનાના સંદર્ભે ચીનમાં રશિયાના દૂતાવાસે સોશિયલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી હતી. આ ટ્વીટ બાદ મોટી સંખ્યામાં લોકોએ ટ્વીટ કરીને આ શહેરને ચીનનો ભાગ ગણાવ્યો. આ વિવાદમાં સીજીટીએનના સંપાદક શેન સિવઈ પણ કૂદી પડ્યાં. તેમણે કહ્યું કે રશિયાના દૂતાવાસની આ પોસ્ટને ચીનના સોશિયલ મીડિયા વેબસાઈટ વીબો પર પસંદ કરાઈ નથી. વ્લાદિવોસ્તોકનો ઈતિહાસ 1860થી રહ્યો છે જ્યારે રશિયાએ તેને એક સૈન્યમથક બનાવી દીધુ.

ચીનની કુટિલ યોજના ઉજાગર થઈ

સિવઈએ કહ્યું કે રશિયાની સાથે અસમાન સંધિ અગાઉ હૈશનવાઈ શહેર ચીનની જમીનનો ભાગ હતો. સિવઈની આ ટ્વીટ વાયરલ થયા બાદ તેમણે આખો દોષ ભારતીય મીડિયા પર મઢ્યો અને કહ્યું કે સરહદ સંધિ પર હસ્તાક્ષર થયા છે એટલે મારી ટ્વીટ જમીનના દાવાને લઈને નથી. સિવઈએ ભલે પોતાની ટ્વીટને લઈને સ્પષ્ટતા કરી પરંતુ ચીનના મનમાં ચાલી રહેલી તેની કુટિલ યોજના હવે ઉજાગર થઈ ગઈ છે. ચીનમાં જેટલા પણ મીડિયા સંગઠન છે તે તમામ સરકારી છે. તેમાં બેઠેલા લોકો ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ઈશારે કઈ પણ લખ્યા કરે છે અને બોલ્યા કરે છે.

રશિયાનું વ્લાદિવોસ્તોક શહેર પ્રશાંત મહાસાગરમાં તૈનાત તેના સૈન્ય બેડાનો પ્રમુખ બેઝ છે. રશિયાના ઉત્તર પૂર્વમાં સ્થિત આ શહેર પ્રિમોર્સ્કી ક્રાય રાજ્યની રાજધાની છે. આ શહેર ચીન અને ઉત્તર કોરિયાની સરહદ નજીક છે. વેપારી અને ઐતિહાસિક રીતે વ્લાદિવોસ્તોક રશિયાનું સૌથી મહત્વનું શહેર છે. રઓશિયાથી થનારા વેપારનો મોટભાગનો હિસ્સો આ પોર્ટથી થઈને જાય છે. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં પણ અહીં જર્મની અને રશિયાની સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.

વિશેષજ્ઞોનું માનવું છે કે વ્લાદિવોસ્તોક શહેર અને તેની આસપાસનો વિસ્તાર ભૂરાજનીતિક ટાઈમ બોમ્બ પર બેઠો છે. તેને લઈને ગમે ત્યારે રશિયા અને ચીન વચ્ચે જંગ થઈ શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે ચીન ત્યાં સુધી શાંત છે જ્યાં સુધી તેની સૈન્ય ક્ષમતા અને પરમાણુ હથિયાર રશિયાની બરોબર ન આવી જાય.

અફીમ યુદ્ધમાં થઈ હતી ચીનની શરમજનક હાર

આ શહેર 1860 અગાઉ ચીનનો ભાગ હતો પરંતુ અફીમ યુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સના હાથે ચીનની હાર થતા આ સમગ્ર વિસ્તાર રશિયાને આપી દેવાયો. વર્ષ 2008માં સરહદ વિવાદને ઉકેલવા માટે ચીન અને રશિયા વચ્ચે સંધિ પણ થઈ હતી. ચીનના લોકોનો આ રશિયા વિરોધ એવા સમયે જોવા મળ્યો કે જ્યારે હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવા મુદ્દે આકરો વિરોધ થઈ રહ્યો છે અને લદાખમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે ખુબ તણાવ છે.

ટાઈમ બોમ્બ પર બેઠું છે વ્લાદિવોસ્તોક શહેર

હકીકતમાં રશિયા માટે ચીનના સંબંધ બેધારી તલવાર જેવા છે. ચીન રશિયાના આ અવિક્સિત વિસ્તારને વિક્સિત કરવા માટે 10 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. આ રોકાણ રશિયા-ચીનની મિત્રતા વધારવાની જગ્યાએ તણાવ વધારી રહ્યો છે. ચીનના ભારે ભરખમ રોકાણને કારણે મોટી સંખ્યામાં ચીનના મજૂરો આ વિસ્તારમાં આવી રહ્યાં છે. જેનાથી ચીનને લઈને વિસ્તારમાં ડર વધી રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે આ વિસ્તાર હવે અઘોષિત રીતે ચીનનો થઈ ગયો છે. અને ચીન ગમે ત્યારે તેના પર કબજો જમાવી શકે છે.

એક અનુમાન છે કે રશિયાના આ વિસ્તારમાં 3થી 5 લાખ ચીની લોકો રહે છે. રશિયા અને ચીન વચ્ચે વર્ષ 1960ના દાયકામાં સરહદ વિવાદને લઈને યુદ્ધ પણ થયેલા છે. એકબાજુ જ્યાં રશિયાના કેટલાક વિસ્તાર હજુ વિકાસની રાહ જોઈ રહ્યાં છે ત્યાં તેની સરહદ સાથે જોડાયેલા ચીની વિસ્તારોનો ખુબ વિકાસ થયો છે. આ સમગ્ર વિસ્તાર પ્રાકૃતિક સંસાધનો જેમ કે ઓઈલ, અને તેલ ગેસથી ભરેલો છે. પરંતુ રશિયા માટે સંકટનું કારણ બની ગયો છે. રશિયાએ હાલમાં જ 1,50,000 હેક્ટર જમીન ચીનને 49 વર્ષ માટે લીઝ પર આપી છે. રશિયાના આ નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે સરહદ વિવાદને મેનેજ કરી લેવાયો તો ઠીક નહીં તો તે ટાઈમ બોમ્બ પર બેઠો છે અને ગમે ત્યારે યુદ્ધની સ્થિતિ થઈ શકે છે.

સબમરીન સંલગ્ન સિક્રેટ ફાઈલ ચોરી કરવાનો આરોપ

રશિયાએ થોડા દિવસ પહેલા જ ચીનની ગુપ્તચર એજન્સી ઉપર સબમરીન સંબંધિત ટોપ સિક્રેટ ફાઈલ ચોરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે રશિયાએ પોતાના એક નાગરિકની પણ ધરપકડ કરી હતી જેના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો. આરોપી રશિયાની સરકારમાં મોટા હોદા પર હતો જેણે આ ફાઈલને ચીનને સોંપી હતી. એશિયામાં ચીનની વિસ્તારવાદી નીતિઓથી ભારતને સૌથી મોટો ખતરો છે. જેનું પ્રત્યક્ષ ઉદારહણ લદાખમાં ચીની સેનાના જમાવડાથી જોવા મળે છે. આ ઉપરાંત ચીન અને જાપાન વચ્ચે પણ પૂર્વ ચીન સાગરમાં આવેલા ટાપુઓને લઈને તણાવ ચરમસીમાએ છે.

(5:19 pm IST)