Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

દેશની બીજી કોરોનાની વેકિસન પણ તૈયાર

ઝાયડસ કેડિલાએ તૈયાર કરી વેકિસન : ડીસીજીઆઇએ માનવ પરીક્ષણની મંજુરી આપી

નવી દિલ્હી તા. ૩ : આખા વિશ્વમાં ફેલાયેલા ચેપી રોગ કોરોનાની વેકસીન બનાવવા દુનિયાભરમાં વૈજ્ઞાનિક કામે લાગ્યા છે ત્યારે ભારતે આ રસી બનાવી લેવામાં સફળતા મેળવી લીધી છે,અમદાવાદની ઝાયડસ કેડિલાને કોરોના રસીના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. હવે ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી લીધી છે અને આ રસીને હ્યુમન કલીનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે.

 

અમદાવાદની ઝાયડસ કેડિલા હ્યુમન કલીનિકલ ટ્રાયલ કરવા માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે પછીના તબક્કામાં ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન કલીનિકલ ટ્રાયલમાં પાસ થઈ ગઈ તો વિશ્વના અનેક દેશોમાં તેની મોટી માંગ ઉભી થશે અને ભારત સહિત ગુજરાત નું નામ દુનિયાભરમાં એક ઇતિહાસ સર્જશે.

હાલમાં જ કોવેકિસનને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે. IMCR તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્ર મુજબ ૭ જુલાઈથી હ્યુમન ટ્રાયલ માટે એનરોલમેન્ટ શરૂ થઈ જશે. ત્યારબાદ જો તમામ ટ્રાયલ સફળ થયા તો આશા છે કે ૧૫ ઓગસ્ટ સુધીમાં કોવેકિસનને લોન્ચ કરવામાં આવી શકે છે. સૌથી પહેલા ભારત બાયોટેકની વેકિસન માર્કેટમાં આવી શકે છે.

ભારતની ટોચની આ દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા ભારતીય અને યુરોપિયન ટીમો સયુંકત રીતે સાથે મળીને બે અભિગમોને લઈને કોરોના વાયરસ ને ખત્મ કરતી વેકસીન શોધી રહ્યા હતા. કોરોના વાયરસને હવે COVID ૧૯ નામ આપવામાં આવ્યું છે. જેના પ્રથમ અભિગમમાં કોરોના વાયરસના પ્રવેશ માટે જવાબદાર કોષમાં DNA રસી શોધવાનો હતો. પ્લાઝમિડ ડીએનએને વાયરસ પ્રભાવિત કોષમાં દાખલ કરવામાં આવશે. ત્યારબાદ તેને વાયરલ પ્રોટીનમાં ટ્રાન્સફોર્મ કરીને રોગપ્રતિકારક શકિતના સેલ્યુલર અને હ્યુમોરલની મદદથી વાયરસને નાથવામાં મદદ કરશે.

(11:26 am IST)