Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પીએમ મોદીની 'ચાણકય નીતિ'... ઓચિંતી લીધી લેહની મુલાકાત : આકરો સંદેશ મળતા ચીનને લાગ્યા મરચા

સરહદી ટેન્શન વચ્ચે જવાનોનો જુસ્સો વધાર્યો : પ્રવાસથી ચીન ધુંધવાયુ : તાબડતોબ આપ્યું નિવેદન

નવી દિલ્હી તા. ૩ : ચીન સાથે સરહદે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અચાનક જ લેહની મુલાકાત લેતા સૌ કોઇ ચોંકી ગયા હતા. પીએમ મોદીની સાથે આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપીન રાવત પણ હાજર રહ્યા. ત્યાં વડાપ્રધાન મોદીએ સેના, વાયુ સેના અધિકારીઓએ જમીની હકીકતની જાણકારી આપી. મે મહિનાથી જ ચીનની સાથે બોર્ડર પર તણાવની સ્થિતિ બનેલી છે. પીએમ મોદીના આવવાથી જવાનોમાં પણ ઉત્સાહ અને નવો જોશ આવી ગયો હતો. તેઓએ પીએમની સામે ભારત માતાની જય અને વંદે માતરમ્ના નારા પણ લગાવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીમુ પોસ્ટ પર પહોંચ્યા. ત્યાં વરિષ્ઠ અધિકારીઓએ તેમને સમગ્ર જાણકારી આપી. પીએમ મોદીએ સેના, વાયુ સેના અધિકારી સાથે સીધો સંવાદ પણ કર્યો. પહેલા આ મુલાકાત પર ફકત સીડીએસ બિપીન રાવતને જ પહોંચવાનું હતું પરંતુ ખુદ પીએમ મોદીએ ત્યાં પહોંચીન ેસૌને ચોંકાવી દીધા.

પીએમ મોદીની સાથે સીડીએસ બિપીન રાવત ઉપરાંત સેના પ્રમુખ એમ.એમ.નરવણે પણ લેહમાં હાજર છે. છેલ્લા બે મહીનામાં ચીનની સાથે સૈન્ય અને ડિપ્લોમેટીક સ્તરે અનેક લેવલની વાત કરવામાં આવી છે. જેમાં માહોલને શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોકે તેમાં કોઇપણ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે નીમુ પોસ્ટ સમુદ્રતટથી ૧૧ હજાર ફૂટની ઉંચાઇ પર છે. જેને વિશ્વની સૌથી ઉંચી અને ખતરનાક પોસ્ટમાંથી એક માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તેમની આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ કોર્પ્સના અધિકારીઓ સાથે વાત કરી. આ ઉપરાંત સીડીએસ બિપીન રાવતની સાથે મળીને સમીક્ષા કરીને સ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન નોર્દન આર્મી કમાન્ડના લેફિટન્ટ જનરલ વાઇક જોશી, લેફિટનન્ટ જનરલ હરિંદરસિંહ પણ હાજર રહ્યા.

મે મહિનાથી જ ચીનની સાથે બોર્ડર તણાવ ચાલુ છે અને બોર્ડર પર સતત સ્થિતિ ગંભીર બની છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ત્યાંની મુલાકાત સૌ કોઇને ચોંકાવનારી છે તે પહેલા રક્ષામંત્રી રાજનાથસિંહને લેહ જવાનું હતું પરંતુ ગઇકાલે તેના કાર્યક્રમમાં બદલાવ કરીને આપવામાં આવી હતી. ત્યારબાદ નક્કી થયું હતું કે ફકત બિપીન રાવત જ લેહ જશે.

(2:59 pm IST)