Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સિનેમા હોલ બંધ રાખવાના સરકારના નિર્ણયથી મલ્ટીપ્લેકસ માલિકો નારાજ

દેશમાં મલ્ટીપ્લેકસ ઉદ્યોગ સીધી રીતે બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે

મુંબઇ,તા.૩ : કેન્દ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લોકડાઉન લાગુ કર્યા બાદ હવે 'અનલોક-૨'ની માર્ગદર્શિકા જાહેર કરી છે, તેમાં અનેક ગ્રાહક સંબધિત સેવાઓને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પણ સિનેમા અને જિમ્નેશિયમ્સ સહિત અનેક સેવાઓ, ઉદ્યોગોને મંજૂરી આપવામાં નથી આવી. સિનેમા હોલ્સ અને મલ્ટીપ્લેકસીસને હજી બંધ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી મલ્ટીપ્લેકસ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MAI) નારાજ છે. ગુરુવારે (MAI) સરકારના નિર્ણય સાથે અસંતોષ દર્શાવતું નિવેદન જારી કર્યુ છે. તેમાં કહ્યું છે કે અર્થતંત્ર પુનઃ ધબકતું થઈ રહ્યું છે, જેમાં સ્થાનિક ટ્રાવેલ, ઓફિસો, હાઇ સ્ટ્રીટ, માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેકસીસ વગેરેનો સમાવેશ થાય છે, ત્યારે સિનેમા અને મલ્ટીપ્લેકસને કેન્દ્ર સરકારે અનલોક-૨ની માર્ગદર્શિકામાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓની યાદીમાં સામેલ કર્યા છે, જે માટે (MAI) અનુભવ છે.

વાસ્તવમાં સિનેમા અને મલ્ટીપ્લેકસ સરકારની માર્ગદર્શિંકા સોશિયલ ડિસ્ટન્સિંગ અને ભીડને નિયંત્રણમાં કેવી રીતે રાખવી એનું એક સારૂ ઉદાહરણ બની રહેત, એમ  (MAI)એજણાવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રે રિટેલ અને દુકાનોની તુલનામાં મલ્ટીપ્લેકસ અને સિનેમા સંગઠિત ક્ષેત્રનો હિસ્સો છે અને સરકારને ગ્રાહકો પાસેથી મનોરંજન કર વસૂલ કરી આપે છે.

  સિનેમા હોલ અને મલ્ટીપ્લેકસ બંધ થવાને કારણે એનાથી સંકળાયેલા લોકો પ્રભાવિત થયા છે, એમ કહેતાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મલ્ટીપ્લેકસ ઉદ્યોગ સીધી રીતે બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. અમે ભારતીય ફિલ્મ ઉદ્યોગની કરોડરજ્જુ છીએ, જેનો ફિલ્મ વેપારની આવકમાં ૬૦ ટકાનો હિસ્સો છે. સ્પોટ બોય, મેકઅપ કલાકારો, સંગીતકારો, ડિઝાઇનરો, ટેકિનશિયનો અને એન્જિનિયરોથી માંડીને સિનેમા કર્મચારીઓ સુધી, ડિરેકટર અને કલાકારો સહિત ૧૦ લાખથી પણ વધારે લોકોની આજીવિકા ભારતીય સિનેમાના અસ્તિત્વ નિર્ભર છે.

 વાસ્તવમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેકસ ખોલ્યા પછી પણ સ્થિતિ સામાન્ય થતાં આશરે ત્રણથી છ મહિના થશે. જોકે વૈશ્વિક સ્તરે ફ્રાનસ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા જેવા દેશ, સંયુકત આરબ અમીરાત, અમેરિકા, બેલ્જિયમ અને મલેશિયાએ સુરક્ષા પ્રોટોકોલની ઉચ્ચતમ સુરક્ષા સાથે સામાન્ય જનતા માટે સિનેમા ધરોને ખોલી દીધા છે અને દર્શકો દ્વારા એની સાનુકૂળ પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિશ્વભરમાં ૨૦થી વધુ મોટાં સિનેમા માર્કેટ ખૂલી ચૂકયા છે, ત્યારે સરકારે દેશમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેકસ ખોલવા માટે ગંભીરપણે વિચારવું જોઈએ અને (MAI)  ને દ્રઢ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેકસ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવશે, કમસે કમ નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં એ જરૂર ખોલવા દેવા જોઈએ.

(11:15 am IST)