Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

PM મોદી અને પુતિન વચ્ચે ટેલીફોન પર ચર્ચા

PM મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી, તા.૩: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨ જુલાઇ ૨૦૨૦ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. પ્રધાનંમત્રીએ બીજા વિશ્વયુદ્ઘમાં વિજયની ૭૫દ્ગક વર્ષગાંઠની સફળતાપૂર્વક ઉજવણી બદલ અને રશિયામાં બંધારણીય સુધારા પર સફળતાપૂર્વક મતદાન થવા બદલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ઉષ્માભેર અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ૨૪ જૂન ૨૦૨૦ના રોજ મોસ્કોમાં મિલિટરી પરેડમાં ભારતીય ટુકડીએ ભાગ લીધો હતો તેને યાદ કરી, આ સહભાગીતાને ભારત અને રશિયાના લોકો વચ્ચે મૈત્રીનું પ્રતીક ગણાવી હતી.

બંને લીડરે પોત પોતાના દેશોમાં કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીના નકારાત્મક પરિણામોનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓની નોંધ લીધી હતી અને કોવિડ-૧૯ પછીની દુનિયામાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે ભારત- રશિયાના નીટકતાપૂર્વકના જોડાણના મહત્વ અંગે સંમત થયા હતા.

તેઓ દ્વિપક્ષીય સંપર્કો અને વિચારવિમર્શ માટેની ગતિવિધિઓ જાળવી રાખવા માટે પણ સંમત થયા હતા, જેના ભાગરૂપે આ વર્ષના અંતમાં ભારતમાં દ્વિપક્ષીય સમિટનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ આ દ્વિપક્ષીય સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને ભારતમાં આવકારવા માટે પોતાની આતુરતા વ્યકત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને ફોન કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો અને બંને દેશો વચ્ચે તમામ મોરચે વિશેષ અને વિશેષાધિકાર સાથેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ઘતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

(10:24 am IST)