Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બોલીવુડને વધુ એક આંચકો

કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન

૭૧ વર્ષના હતાં: ૨૦૦૦થી વધુ ફિલ્મોમાં કોરીયોગ્રાફી કરીઃ ૩ વખત નેશનલ એવોર્ડ મળેલ હતો

મુંબઇ, તા.૩: બોલીવુડને વધુ એક આંચકો લાગ્યો છે. જાણીતા કોરીયોગ્રાફર સરોજખાન આપણી વચ્ચે નથી રહ્યા. ગઇકાલે રાત્રે તેમનું મુંબઇની એક હોસ્પિટલમાં દુઃખદ નિધન થયુ છે તેઓ ૭૧ વર્ષના હતાં અને તેમણે ૨૦૦૦થી  વધુ ગીતોની કોરીયોગ્રાફી કરી હતી.

 

૪૦ વર્ષથી તેઓ બોલીવુડ સાથે સંકળાયેલ હતાં. ૧૯૭૪માં તેમણે ગીતા મેરા નામથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવ્યો હતો. માધુરી દિક્ષિતની ફિલ્મ તેજાબના યાદગાર ગીત એક દો તીન અને વર્ષ ૨૦૦૭માં આવેલ ફિલ્મ જબ વી મેટના ગીત ઇશ્ક.. માટે પણ તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. કુલ ૩ વાર નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ હતો.

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટના કારણે મુંબઈમાં નિધન થઈ ગયું. તેઓ ૭૧ વર્ષના હતા. સરોજ ખાનને ૧૭ જૂનથી મુંબઈના બ્રાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ અહીં એડમિટ કરાવાયા હતા. જાણકારી મુજબ આજે રાત્રે ૧.૫૨ મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુંબઈના ચારકોપ કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

આ દિગ્ગજ કોરિયોગ્રાફર ડાયાબિટિસ અને તેનાથી સંબંધિત બીમારીઓ સામે લડી રહ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેની રિપોર્ટ નેગેટિવ આવી હતી.

તેઓ લાંબા સમયથી પોતાના કામથી બ્રેક પર હતા અને પાછલા વર્ષે (૨૦૧૯)માં તેમણે કમબેક કર્યું અને મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' અને કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ કવીન ઓફ ઝાંસી'માં ગીતને કોરિયોગ્રાફ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. તેમણે ૧૯૭૪માં પહેલીવાર 'મેરા નામ'થી કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો. પોતાના કરિયરમાં ૨૦૦૦થી વધારે સોન્ગ કોરિયોગ્રાફ કરનારા આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ મળી ચૂકયો છે. ઉલ્લેખનીય છે કે સરોજ ખાને કેટલીક ફિલ્મોમાં લેખક તરીકે પણ કામ કર્યું છે.

(10:25 am IST)