Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

હવે નાસા અને યુરોપિયન એજન્સી સાથે કામ નહીં કરે રશિયા:આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પણ સમાપ્ત કરશે સહયોગ

. અંતરિક્ષમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય લેતા રશિયાએ કહ્યું-આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છોડી દેશે એટલું જ નહી આવનારા બે વર્ષમાં તમામ પ્રકારની સ્પેસ ભાગીદારી ખતમ કરી નાખશે.

યુક્રેન અને રશિયાના યુધ્ધમાં ખરી લડાઇ તો રશિયા અને અમેરિકા જ લડી રહયા છે. યુક્રેન તો માત્ર યુધ્ધનું મેદાન બની ગયું છે. સોવિયત સંઘના જમાનામાં ચાલતા બંને દેશો વચ્ચેના શીતયુધ્ધ પછી 2022માં અમેરિકા અને રશિયા વચ્ચેના સંબધો અત્યંત તણાવભર્યા બન્યા છે. અમેરિકા રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો મુકયા છે એટલું જ નહી પશ્ચિમી દેશોને પણ એમ કરવા પ્રેર્યા છે.

નાટો દેશોએ યુક્રેનને તન,મન અને ધનથી મદદ કરતા રશિયાને બરાબર ટકકર આપી છે. અમેરિકા અને રશિયાની દુશ્મનાવટની અસર યૂરોપિયન એજન્સી અને સંશોધન સંસ્થાઓ પર પણ થઇ રહી છે. જો કે સૌથી માઠા સમાચાર એ છે કે અંતરિક્ષ સંશોધનમાં પણ રશિયા અને અમેરિકા એક બીજાથી છેડો ફાડી રહયા છે. અંતરિક્ષમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય લેતા રશિયાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છોડી દેશે એટલું જ નહી આવનારા બે વર્ષમાં તમામ પ્રકારની સ્પેસ ભાગીદારી ખતમ કરી નાખશે.

રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના ડાયરેકટર જનરલ દિમિત્રી રોગોજિને કહયું કે અમે આ અંગે જાહેરમાં કોઇ વાત કરવા માટે બંધાયેલા નથી.જો કે આઇએસએસ પ્રોજેકટમાં રશિયાની ભાગીદારી કેટલી અવધીમાં ખતમ થશે તે અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે રશિયા એક વર્ષની નોટિસ આપે તેવી શકયતા છે.

રશિયાએ સ્પેસ ભાગીદારીમાંથી ખસી જવાનો નિર્ણય આર્થિક પ્રતિબંધોની પ્રતિક્રિયા સ્વરુપે લીધો છે પરંતુ રશિયાના અંતરિક્ષ નિષ્ણાતોનું માનવું છે કે રશિયાએ પહેલાથી જ જાણ કરી હતી કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 2024 પછી ભાગીદાર રહેવા ઇચ્છતું નથી.

(12:04 am IST)