Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મહારાષ્ટ્ર કોર્ટ દ્વારા રાજ ઠાકરે વિરુદ્ધ 2008 ની સાલ ના એક કેસ સંદર્ભે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું

ઠાકરેએ મસ્જિદોની ઉપર લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી આ મામલો ઉછળ્યો હોવાનો MNS કાર્યકરોનો દાવો

મુંબઈ : 2008 માં, MNS કાર્યકરોએ શિરાલામાં ઠાકરેની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સ્થાનિક યુવાનોને નોકરીઓમાં પ્રાથમિકતા આપવાની માંગ કરવામાં આવી હતી.

પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની એક અદાલતે 14 વર્ષ જૂના કેસના સંબંધમાં MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. 2008 માં, ઠાકરે પર કથિત રીતે ભડકાઉ ભાષણો કરવા બદલ IPCની કલમ 109 અને 117 (ગુના માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 6 એપ્રિલે બિનજામીનપાત્ર વોરંટ જારી કરતી વખતે, સાંગલી જિલ્લાના શિરાલા ખાતે પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટે મુંબઈ પોલીસ કમિશનને MNS વડાની ધરપકડ કરવા અને તેમને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું.

જજે ઠાકરે અને અન્ય MNS નેતા શિરીષ પારકર વિરુદ્ધ અનુક્રમે મુંબઈ પોલીસ કમિશનર અને ખેરવાડી પોલીસ સ્ટેશન મારફત વોરંટ જારી કર્યું હતું કારણ કે તેઓ કેસની કાર્યવાહી દરમિયાન પોતાને કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, એમ મદદનીશ સરકારી વકીલ જ્યોતિ પાટીલે જણાવ્યું હતું. તેણીએ કહ્યું કે કોર્ટે પોલીસને 8 જૂન પહેલા વોરંટનો અમલ કરવા અને બંને નેતાઓને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.

2008 માં, MNS કાર્યકરોએ શિરાલામાં ઠાકરેની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સ્થાનિક યુવાનોને નોકરીઓમાં પ્રાથમિકતા આપવાની માંગ કરવામાં આવી હતી. એક સ્થાનિક MNS કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે એક સરકારી નિયમ એમ જણાવે છે કે 2012 પહેલાના રાજકીય કેસ પાછા ખેંચવા જોઈએ. જો કે, ઠાકરેએ મસ્જિદોની ઉપર લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી આ મામલો ઉછળ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

(10:16 pm IST)