Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

અખાત્રીજ ઉપર જયારે સમગ્ર દેશ માંગલીક કાર્યો કરે છે ત્‍યારે ૧૮ ગામોમાં શોક મનાવાય છે!

ચૌથના બરવાળા અને આસપાસના ગામડામાં અખાત્રીજે સન્નાટો રહે છેઃ કોઇ શરણાઇ, કોઇ ઢોલ વાગતા નથીઃ મંદિરના ઘંટ પણ આગલા દિવસે બાંધી દેવાય છે!

અખાત્રીજનો દિવસ લગ્નો અને અન્‍ય માંગલીક કામો માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ અવસર ઉપર સમગ્ર દેશમાં મોટી સંખ્‍યામાં માંગલીક કાર્યો થાય છે પરંતુ ચૌથ કા બરવાળા સહિત તેના સાથે જોડાયેલા ૧૮ ગામમાં આ દિવસે કોઇ પણ પ્રકારનું માંગલીક કાર્ય થતુ નથી. લોકોના ઘરમાં શાકભાજી પણ બનતા નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ કાયમ છે. જો આ દિવસોમાં કોઇ લગ્નો યોજાય છે તો જાન એક દિવસ પહેલા અથવા એક દિવસ બાદ  જાય છે. અખાત્રીજના દિવસે સમગ્ર વિસ્‍તારમાં સન્નાટો વ્‍યાપેલો હોય છે.

કારણ શું ?

અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે માંગલીક પ્રસંગો નહિ પરંતુ શોક મનાવવાની પરંપરા અંગે ઇતિહાસકારો અને જાણકારોનું કહેવું છે કે ચૌથ માતા મંદિરમાં સેંકડો વર્ષ પહેલા નવવિવાહીત દુલ્‍હા-દુલ્‍હન મોટી સંખ્‍યામાં દર્શન માટે આવ્‍યા હતા. આ વખતે યુગલોની જોડી અંદરો-અંદર બદલાઇ ગઇ હતી. તેથી ગેરસમજણમાં મોટો હંગામો સર્જાયો હતો. આ દરમિયાન મારપીટ અને ખુન-ખરાબા થયા હતા. કેટલાય યુગલો મોતને ભેટયા હતા. જેના પાળીયા આજે પણ ખંઢેર અવસ્‍થામાં ચૌથ માતા ખાતાલાબના જંગલોમાં મોજુદ છે માટે આ દિવસોમાં આસપાસના ૧૮ ગામોમાં શોક મનાવાય છે. અખાત્રીજા દિવસે કોઇ શહેનાઇ વાગતી નથી કે જાન આવતી નથી! ઉલ્લેખનીય છે કે, આ દિવસે મંદિરનો ઘંટ પણ ભુલથી કોઇ વગાડે નહી તે માટે આગલા દિવસે જ બાંધી દેવામાં આવે છે.

(4:22 pm IST)