Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

બીજા લગ્ન માટે વર્તમાન પત્‍નિીની સંમતિ લેવી જરૂરી

નવી દિલ્‍હી, તા.૩: દિલ્‍હી હાઈકોર્ટમાં સોમવારે એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને દિલ્‍હી હાઈકોર્ટે સરકારનું વલણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મુસ્‍લિમ સમાજમાં દ્વિપત્‍નીત્‍વ અને બહુપત્‍નીત્‍વને નિરુત્‍સાહિત કરવાની માગ કરતી આ અરજી પર કેન્‍દ્રનું વલણ જાણવા જવાબ માંગ્‍યો હતો. જો પરિણિત પુરુષ બીજી પત્‍નીની લેખિતમાં સંમતિ વગર લગ્ન કરે તો તેને રદબાતલ ઠેરવવામાં આવે અરજી થઈ હતી.અરજીકર્તા રેશમાએ પોતાની પોતાની જનહિતની અરજીમાં કહ્યું કે, પતિઓએ ન્‍યાયિક અધિકારીનું પ્રમાણપત્ર પણ મેળવવું જોઈએ કે તે નવી પત્‍ની માટે રહેઠાણ અને ભરપોષણ વગેરે આપવા માટે સક્ષમ છે. પતિ પોતાની તમામ પત્‍નીઓ સાથે સમાન વ્‍યવહાર કરે અને નિકાહ પહેલાં પોતાના વૈવાહિક ઈતિહાસને જાહેર કરે. એટલું જ નહીં અરજીકર્તાએ ઈસ્‍લામિક કોડ હેઠળ લગ્નની નોંધણી ફરજિયાત બનાવતા કાયદા માટે પણ વિનંતી કરી.
આ જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા કાર્યવાહક ચીફ જસ્‍ટિસ વિપિન સંઘી અને જસ્‍ટીસ નવિન ચાવલાની પીઠે સરકારને જવાબ આપવા માટે નિર્દશ કર્યો છે. અરજદારે કહ્યું કે, મહિલાનો પતિ તેના અને તેના બાળકના ભરણપોષણની વ્‍યવસ્‍થા કર્યા વગર તેને છૂટાછેડા આપવાની અને તેની સંમતિ વગર અન્‍ય મહિલા સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો છે. જાહેરહિતની અરજીમાં કહેવાયા મુજબ, શરિયા કે ઈસ્‍લામી કાયદા હેઠળ પુરુષોને અપવાદરુપ સંજોગોમાં જ બહુપત્‍નીત્‍વની મંજૂરી છે. મહિલાઓને સામાજીક અને ઘરેલૂ અન્‍યાયનો શિકાર બનતા રોકવા માટે તેનું નિયમન થવું જોઈએ.
રેશમાએ એવો પણ તર્ક આપ્‍યો કે, વર્તમાન પત્‍નીની મંજૂરી વિના અને તેની સુખાકારીને સુરક્ષિત રાખ્‍યા વિના બીજા લગ્ન એ ગેરબંધારણીય, શરિયત વિરોધી, ગેરકાયદેસર, મનસ્‍વી, કઠોર, અમાનવીય અને અસંસ્‍કારી તથા બંધારણીય અધિકારોની વિરુદ્ધ છે. PILમાં એવું પણ જણાવ્‍યું છે કે, શરિયા દ્વારા સંચાલિત દેશોમાં વિશિષ્ટ સંજોગોમાં જેમ કે પહેલી પત્‍નીની માંદગી અથવા બાળક પ્રાપ્ત કરવામાં અસમર્થતા વગેરે મામલે બીજા લગ્નની મંજૂરી છે. આવા કિસ્‍સામાં પહેલી પત્‍નીની સંમતિથી પુરુષ ફરીથી લગ્ન કરી શકે છે અને તેને બહુપત્‍નીત્‍વ તરીકે ઓળખામાં આવે છે

 

(4:22 pm IST)