Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કર્મચારીને ચૂકવેલા વધારાના નાણાં નિવૃત્તિ પછી લઇ શકાય નહીં:સુપ્રીમ

નાણાંની વસૂલાતથી કર્મચારીને પડનારી હાડમારી ટાળવા નિર્ણય

નવી દિલ્‍હી, તા.૩ કંપની અને કર્મચારી વચ્‍ચે વર્ષોથી નાણાંની આપ-લેનો વિવાદ થતો જ રહે છે ત્‍યારે સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્‍વના મુદ્દે ચુકાદો આપ્‍યો છે. કોર્ટે જણાવ્‍યું હતું કે, કર્મચારીને ચુકવાયેલા વધારાના નાણાંને કંપની ભૂલથી ચુકવાયેલા ઇન્‍ક્રિમેન્‍ટનું કારણ આપીને પરત લઇ શકે નહીં.જસ્‍ટિસ એસ એ નઝીર અને વિક્રમ નાથની બેન્‍ચે જણાવ્‍યું હતું કે, કોર્ટે કર્મચારીઓ પાસેથી વધારાના નાણાં પરત નહીં લેવાનો નિર્ણય તેમને પડતી હાડમારીમાંથી રાહત આપવા લેવાયો છે. સુપ્રીમ કોર્ટની બેન્‍ચે જણાવ્‍યું હતું કે, ‘કર્મચારીને વધારાની રકમ કોઇ ખોટી રજૂઆત કે ફ્રોડને કારણે ન ચૂકવાઇ હોય અથવા કંપનીએ કોઇ ખોટો નિયમ લાગુ કરીને આ વધારાનું પેમેન્‍ટ કર્યું હોય કે કોઇ નિયમ કે આદેશના ચોક્કસ અર્થઘટનને આધારે નાણાં ચુકવાયા હોય અને પછી એ અર્થઘટન ખોટું સાબિત થયું હોય એવા કિસ્‍સામાં કર્મચારી પાસેથી વધારાના નાણાં પરત લઇ શકાય નહીં.'

બેન્‍ચે જણાવ્‍યું હતું કે, ‘વધારાની નાણાંની રિકવરી સામે આ રાહત કર્મચારીના અધિકારને લીધે અપાઈ નથી, પણ આવી રિકવરીની તરફેણમાં ચુકાદો અપાય તો કર્મચારીઓને પડનારી હાડમારીમાંથી રાહત આપવા કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.' અગાઉના ચુકાદાને ટાંકી સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે, ‘નીચા હોદ્દા પર ફરજ બજાવતો સરકારી કર્મચારી જે પણ નાણાં મળે છે તેનો ઉપયોગ પરિવારની ભલાઇ માટે કરતો હોય છે. તેને લાંબા સમય સુધી વધારાના નાણાં મળે તો તેને એ વાપરી કાઢે છે. તેને એવું લાગે છે કે, આ નાણાં તેના હકના છે. આ સ્‍થિતિમાં વધારાની નાણાંની રિકવરીનું પગલું ભરાય તો તેને હાડમારી પડી શકે. તેને ધ્‍યાનમાં રાખીને આ રાહત જાહેર કરાઈ છે. જોકે, કર્મચારીને જાણ હોય કે તેને મળેલા વધારાના નાણાં ભૂલથી અપાયા છે અથવા ભૂલ ટૂંકા ગાળામાં પકડાય તો કોર્ટ કર્મચારીને આવી રાહત આપી શકે નહીં.

(3:58 pm IST)