Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પ.બંગાળના અનેક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદઃ વૃક્ષો-વીજ પોલ ધરાશાયી

અખાત્રીજ અને ઇદની ઉજવણી વચ્‍ચે

કોલકતા, તા.૩: આજે અક્ષય તૃતીયા અને ઈદ છે. પ.બંગાળમાં ઉજવણી દરમિયાન વરસાદ તુટી પડયો છે. ઉત્તર ૨૪ પરગણા, હુગલી અને નાદિયા જિલ્લાના કેટલાક ભાગોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. કોલકાતામાં પણ સવારથી જ આકાશ ભારે ગોરંભાયેલ હતુ. શહેરનું આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું છે. બીજી તરફ, બર્દવાન જિલ્લાના કેટલાક સ્‍થળોએ ગાજવીજ અને વરસાદની સંભાવના છે. ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મુર્શિદાબાદ અને બીરભૂમમાં સવારથી થોડીવાર માટે વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ બંગાળમાં ધીમી ગતિએ વાતાવરણમાં ફેરફાર શરૂ થયો છે. ગઈકાલની જેમ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે. આવતીકાલે વરસાદની શક્‍યતા વધી જશે. અલીપોર હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, મંગળવારે પણ વાવાઝોડા અને વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. કદાચ કાલબૈશાખી. છૂટાછવાયા કરા પડવાની શક્‍યતા છે.

અલીપુર હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે હવામાં પાણીની વરાળ વધવાને કારણે વાવાઝોડાની રચનાને કારણે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જો કે ભેજના કારણે લોકોને અકડામણ રહેશે. માત્ર શહેરમાં જ નહીં, પરંતુ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વાવાઝોડા, વરસાદ અને ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

માલદા-નાલાગોલા રાજય માર્ગ પર વૃક્ષો પડતાં વાહન વ્‍યવહાર ખોરવાયો હતો. વીજ થાંભલા તૂટતાં વીજ કનેકશન કાપી નાખવામાં આવ્‍યું હતું. બુલબુલચંડી ગ્રામ પંચાયતના લોકોએ વૃક્ષો કાપીને રસ્‍તો ખુલ્લો કર્યો હતો.

(4:16 pm IST)