Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ઓનલાઇન ગેમીંગ માટે ૨૮ ટકાના GST સ્‍લેબની શકયતા

આવતા સપ્‍તાહે જીઓએમની મીટીૅગમાં થઇ શકે છે ભલામણ

નવી દિલ્‍હી, તા.૩: જીએસટી કાઉન્‍સીલ દ્વારા ઓનલાઇન ગેમીંગ, રેસ અને કેસીનો પર જીએસટી માટે રચાયેલ મંત્રી સમૂહ ૨૮ ટકાના એક જ દરની ભલામણ કરી શકે છે જીએસટી ગેમીંગની કુલ આવક પર લેવો કે દરેક ટ્રાન્‍ઝેકશન પર લેવો એ અંગને આખરી ભલામણ જીઓએમની આવતા સપ્‍તાહે મળનારી મીટીંગમાં થઇ શકે છે તેવુ આ બાબતથી માહિતગાર લોકોએ કહ્યુ હતું.

મેઘાલયના મુખ્‍યપ્રધાન કોનરાડ સંગમાના નેતૃત્‍વવાળા આ સમુહની મીટીંગ ગઇકાલે એટલે કે સોમવારે થઇ હતી જેમાં કેસીનો અને ઓનલાઇન ગેમીંગ સર્વીસનાના વેલ્‍યુએશન અંગે ચર્ચા થઇ હતી.

૨૮ ટકા જીએસટી રેટ બાબતે તો મીટીંગમાં સહમતિ થઇ હતી પણ ગ્રોસ રેવન્‍યુ ઉપર ટેક્ષ લેવો કે ટ્રાન્‍ઝેકશન દીઠ તેના પર સહમતિ નહોતી થઇ શકી. આ ઉપરાંત કેટલાક સભ્‍યોની રજૂઆત હતી લર્નીંગ બેઝડ ગેમીંગ પર હાલનો ૧૮ ટકા દર ચાલુ રાખવો તેવું પણ એક વ્‍યકિતએ કહ્યુ હતું.

અત્‍યારે ઓનલાઇન ગેમીંગ જેમાં બેટીંગ અને જુગાર સામેલ છે તેના પર જીએસટી દર ૨૮ ટકા છે અને બેટીંગ અને જુગાર સામેલ ના હોય તેવી ઓનલાઇન ગેમીંગ પર ૧૮ ટકા છે. ઓનલાઇન ગેમીંગ પ્‍લેટફોર્મને મળતા કમીશન પર પણ ૧૮ ટકા છે. જયારે ઘોડાના રેસ પર કુલ બેટીંગ વેલ્‍યુ પર જીએસટી ૨૮ ટકા છે.

ગોવાના ટ્રાન્‍સપોર્ટ મંત્રી મૌવીન ગોડીન્‍હો જે આ મંત્રી સમુહના સભ્‍ય છે તેમણે કહ્યું કે ગેમીંગ ઇન્‍ડસ્‍ટ્રીની માંગણી છે કે ટેક્ષ કુલ ગેમીંગ રેવન્‍યુ પર હોવો જોઇએ, ટ્રાન્‍ઝેકશન પર નહીં.

(3:11 pm IST)