Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

અનંતનાગમાં સુરક્ષા દળો પર પથ્‍થરમારો

નમાઝ બાદ હિંસા : આઝાદ કાશ્‍મીરના નારા લાગ્‍યા

જમ્‍મુ તા. ૩ : લાઉડ સ્‍પીકર અને રોડ પર નમાઝના વિવાદ વચ્‍ચે આજે દેશભરમાં ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્‍છનીય ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને વહીવટીતંત્રે તેમના સ્‍તરે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સંવેદનશીલ સ્‍થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ક્‍યાંક ટીમ સતત ફલેગ માર્ચ કરી રહી છે તો ક્‍યાંક ડ્રોન દ્વારા તેની પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસની વધારાની તકેદારી એટલા માટે પણ છે કારણ કે આજે પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીયા પણ છે.

આ દરમિયાન દક્ષિણ જમ્‍મુ અને કાશ્‍મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવારે ઈદની નમાજ પછી એક મસ્‍જિદની બહાર પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્‍થરમારો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્‍યો છે, જેમાં ઘણા લોકો સુરક્ષા દળો પર પથ્‍થરમારો કરતા જોવા મળી રહ્યા છે. ઈદ-ઉલ-ફિત્રની નમાજ બાદ કેટલાક અસામાજિક તત્‍વોએ આઝાદ કાશ્‍મીરના નારા લગાવ્‍યા હતા. આ પછી, જયારે સુરક્ષા દળોએ દરમિયાનગીરી કરી તો તે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્‍થરમારો કર્યો.હાલમાં સ્‍થિતિ નિયંત્રણમાં છે અને સમગ્ર વિસ્‍તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, તે નજીવી અથડામણ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ પ્રકારની ગેરસમજ હતી. જો કે આજે ઇદના અવસર પર જોધપુરમાં પણ તકરાર થઇ હતી. જલોરી ગેટ ચોક પર ઈદની પૂર્વ સંધ્‍યાએ તકરાર બાદ આજે ફરી પથ્‍થરમારો થયો હતો.

(3:08 pm IST)