Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫૬૮ કેસઃ ૨૦નાં મોત

ભારતમાં કોરોના કેસમાં સતત ઉછાળા બાદ આજે થોડા રાહતના સમાચારઃ

નવી દિલ્‍હી, તા.૩: દેશમાં વધતા જતા કોરોનાના કેસો વચ્‍ચે આજે ફરી દેશમાં અઢી હજારથી વધુ કેસ નોંધાયા છે. પરંતુ રાહતની વાત એ છે કે આ આંકડો ગઈ કાલ કરતા ૧૮.૭ ટકા ઓછો છે.

આરોગ્‍ય મંત્રાલયના જણાવ્‍યાં અનુસાર, દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૫૬૮ કેસ જોવા મળ્‍યા છે, જયારે કોરોનાના કારણે વધુ ૨૦ લોકોએ જીવ ગુમાવ્‍યો છે. તાજેતરના આંકડા વિશે જો વાત કરીએ તો, દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ દિલ્‍હીમાં (૧૦૭૬), હરિયાણામાં (૪૩૯), કેરલમાં (૨૫૦), ઉત્તર પ્રદેશમાં (૧૯૩) અને કર્ણાટક (૧૧૧) માંથી મળી આવ્‍યા છે.

નવા કોરોનાના કેસમાંથી ૮૦.૫૮ ટકા તો આ પાંચ રાજયોમાંથી આવ્‍યા છે. માત્ર દિલ્‍હીમાં જ ૪૧.૯% કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨૦ લોકોના મોત થયા છે ત્‍યારે દેશમાં અત્‍યાર સુધીમાં કોરોનાના કારણે ૫,૨૩,૮૮૯ લોકો જીવ ગુમાવી ચૂક્‍યાં છે.

આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્‍યા હવે વધીને ૪ કરોડ, ૩૦ લાખ, ૮૪ હજાર ૯૧૩ થઈ ગઈ છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હાલ એક્‍ટિવ કેસની કુલ સંખ્‍યા ૧૯ હજારને પાર થઇ ગઈ છે. હાલ દેશમાં ૧૯,૧૩૭ એક્‍ટિવ કેસ નોંધાયા છે. એક્‍ટિવ કેસ કુલ સંક્રમણના ૦.૦૫ ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ ૯૮.૭૪ ટકા નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેશભરમાં કુલ ૨,૯૧૧ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં કુલ ૪ કરોડ, ૨૫ લાખ, ૪૧ હજાર, ૮૮૭ લોકો આ મહામારીને માત આપી ચૂક્‍યાં છે.

મંત્રાલયના જણાવ્‍યાં અનુસાર, રાષ્ટ્રીય વેક્‍સિનેશન અભિયાન હેઠળ, દેશમાં અત્‍યાર સુધીમાં કુલ ૧૮૯.૪૧ કરોડ વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં વેક્‍સિનના કુલ ૧૬,૨૩,૭૯૫ ડોઝ આપવામાં આવ્‍યા.

(10:40 am IST)