Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પૂર્વ યુરોપમાં નાટોના સૈનિકોનો યુદ્ધાભ્યાસ : 20 દેશોના 18000 સૈનિકો અત્યાધુનિક શસ્ત્રો સાથે કરે છે અભ્યાસ

આ કવાયતમાં ભાગ લઈ રહેલા લશ્કરી વાહનોની આવન જાવન અંગે એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં કે ફોટો લેવો નહીં : પોલેન્ડની નાગરિકોને ચેતવણી

નવી દિલ્હી : પોલેન્ડે જણાવ્યું હતું કે નાટો દ્વારા યોજાઈ રહેલી આ એક પરંપરાગત કવાયત જ છે. પરંતુ યુક્રેન યુદ્ધને લીધે તેમાં વધુ તીવ્રતા લાવવી પડી છે. આ કવાયતમાં ૧૮૦૦૦ જેટલા સૈનિકો આધુનિક શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં યુરોપના ૨૦ દેશો ભાગ લઈ રહ્યા છે.

આ સાથે પોલેન્ડની સરકારે જન સામાન્યને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આ કવાયતમાં ભાગ લઈ રહેલા લશ્કરી વાહનોની આવન જાવન અંગે એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં. તેમજ તે લશ્કરી વાહનોના ફોટા પણ લેવા નહીં. આ કવાયત આગામી કેટલાક સપ્તાહો સુધી ચાલુ રહેવાની છે. તે દરમિયાન કોઈએ કોઈ ફોટા ખેંચવા નહીં કે તે વિષે લાંબી ચર્ચા પણ કરવી નહીં. કારણ કે આવી વિચાર્યા વગરની કાર્યવાહીથી ગઠબંધન ઉપર માઠી અસર પડશે. આપણે તેનાં ભયસ્થાનો સમજી લેવા જોઈએ.

આ અંગે પોલિસ-આર્મીએ જણાવ્યું હતું કે આ કવાયતને ડીફેન્ડર-યુરોપ – ૨૦૨૨ તેવું નામ અપાયું છે. આ ઉપરાંત એક અત્યંત મહત્વની કવાયત સ્વિફટ રીસપોન્સ -૨૦૨૨માં પોલેન્ડ સહિત ૮ દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં આક્રણ થાય તો તુર્ત જ તેનો વળતો પ્રહાર તીવ્ર ગતિએ કેમ કરવો તેની તાલિમ પણ આપવામાં આવી રહી છે. નિરીક્ષકો આ કવાયતોને વર્તમાન રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે અતિ મહત્વની માને છે.

(12:17 am IST)