Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભારત બંધ દરમિયાન હિંસા દુર્ભાગ્યપૂર્ણઃ સંઘ વિરૂધ્ધ ઝેરીલો દુષ્પ્રચાર થઇ રહ્યો છેઃ ભૈયાજી જોષી

નવી દિલ્હી તા. ૩ : એસસીએસટી એકટને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરૂદ્ઘ દલિત સંગઠનોએ આપેલા ભારત બંધ દરમિયાન થયેલી હિંસા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દુઃખ વ્યકત કર્યું. આ સાથે જ સંઘે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયની આડમાં સંઘની વિરૂદ્ઘ ઝેરીલો દુષ્પ્રચારના પ્રયાસ થઇ રહ્યા છે, જે આધારહીન અને નિંદનીય છે.

સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ નિવેદન બહાર પાડીને કહ્યું, 'એસસી-એસટી એટ્રોસિટી એકટના ઉપયોગ પર સુપ્રીમના નિર્ણયને લઇને થઇ રહેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટના નિર્ણયની આડમાં જે રીતે સંઘ અંગે ઝેરીલો દુષ્પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે આધારહીન અને નિંદનીય છે. સંઘનો કોર્ટના નિર્ણય સાથે કોઇ સંબંધ નથી.' તેમણે લોકોને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને કોઇના બહેકાવવામાં ન આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સંઘ જાતિના નામે કોઇ પણ ભેદભાવ અને અત્યાચારની વિરૂદ્ઘમાં છે. આ પ્રકારના અત્યાચારો રોકવા માટે બનાવેલ કાયદાનો કઠોરતાથી પાલન થવું જોઇએ.

ભૈયાજી જોશીએ શાંતિની અપીલ કરતાં કહ્યું, સંઘે સમાજના બધા પ્રબુદ્ઘ લોકોને અનુરોધ કર્યો છે કે સમાજમાં પરસ્પર સૌહાર્દ બનાવવામાં પોતાનું યોગદાન આપે અને સમાજ કોઇના બહેકાવવામાં આવે નહીં. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ બનાવી કોઇ પણ પ્રકારના દુષ્પ્રચારનો શિકાર થાય નહીં. તેમણે કહ્યું કે, સંઘ જાતિના નામે કોઇ પણ ભેદભાવ અને અત્યાચારની વિરૂદ્ઘમાં છે. આ પ્રકારના અત્યાચારો રોકવા માટે બનાવેલ કાયદાનો કઠોરતાથી પાલન થવું જોઇએ.

મહત્વનું છે કે, હાલમાં સુપ્રીમ કોર્ટે આ એકટ હેઠળ તાત્કાલિક ધરપકડ ન કરવાનો આદેશ કર્યો હતો. આ સિવાય એસસી-એસટી એકટ હેઠળ નોંધાનારા કેસમાં અગ્રીમ જમાનતને મંજૂરી પણ આપી દીધી હતી. સર્વોચ્ચ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ હેઠળના કેસમાં ઓટોમેટીક ધરપકડના બદલે પોલીસે ૭ દિવસની અંદર તપાસ કરવી જોઇએ અને પછી એકશન લેવી જોઇએ. કોર્ટે કહ્યું કે સરકારી અધિકારીની ધરપકડ અપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વિના મળતી નથી. જયારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપીની મંજૂરી લેવી આવશ્યક છે.(૨૧.૪)

(9:59 am IST)