Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

૨૬ સબ રજીસ્ટ્રાર કચેરીઓનો મોડેલ બનાવાશેઃ 'આઇ -ઓરા' પ્રોજેકટ માટે રાજકોટમાં નવુ મહેકમ

ખેતીની જમીન માપણી માટે નવા ૧૩૧ મશીનો ખરીદાશે

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ પ્રવચનમાં જણાવ્યું છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસના કારણે રાજ્યમાં આર્થિક, સામાજિક ,વ્યાપારી અને ખેતીવાડી પ્રવૃતિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃતિઓ માટે જરૂરી માળખુ ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉતરોતર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતીમાં જમીન ધારકોને ભૂ-માફિયાઓથી રક્ષણ આપવા માટે અમારી ખેડુતલક્ષી સરકારે જમીન પચાવી પાડવાની પ્રવૃતિઓને અટકાવવા અને તેની સાથે સંકળાયેલી બાબતો ઉપર પ્રતિબંધ મુકવાના ઉદેશથી ગુજરાત રાજ્ય જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ અમલમાં મુકેલ છે. બજેટમાં નીચે મુજબ જોગવાઇ કરાયેલ છે.

રાજ્યના ૧૬ જિલ્લાઓમાં મહેસૂલ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓ તથા સ્ટાફ કવાટર્સના મકાનોના બાંધકામ માટે કુલ રૂ. ૩૯ કરોડની જોગવાઇ.

ખેતીની જમીનની માપણી આધુનિક પધ્ધતિથી સચોટપણે થાય તે માટે વધુ ૧૩૧ નવા ડી.જી.પી.એસ. મશીનો વસાવવા રૂ. ૩૩ કરોડની જોગવાઇ.

રાજ્યની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી માટે આવતા પક્ષકારોને મુળભૂત અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ૨૬ સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરી બનાવવા માટે રૂ. ૮ કરોડની જોગવાઇ.

પૂર -અછતની રાહત સંદર્ભે જે તે વિસ્તારને સહાય માટેની પ્રાથમિકતા આપી શકાય તે હેતુથી રેઇન ગેજ સ્ટેશનોની સંખ્યા વધારવા માટે કુલ રૂ. ૫ કરોડની જોગવાઇ.

મહેસૂલી સેવાઓ ઇ-ગર્વનન્સ તથા અદ્યતન ટેકનોલોજી થકી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે માટે મહત્વની ભૂમિકા ભજવતા આઇ-ઓરા (I- ORA) પોર્ટલને સુદ્રઢ કરવા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, અને રાજકોટ જિલ્લામાં મહેકમ ઉભુ કરવા માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

(4:31 pm IST)