Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લેટસફિલકસ દ્વારા ગુજરાતનું પ્રથમ, પોતાનું આગવું ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ થશે

લેટ્સફ્લિકસ ગુજરાતી ભાષા ઉપરાંત આપણી કચ્છી અને કાઠિયાવાડી બોલીમાં પણ મનોરંજન ઓફર કરશે

મુંબઇ, તા.૩: ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અને ઈમ્પેકટ ઈન્વેસ્ટર- દ્રુમી ભટ્ટ, ઉદ્યોગપતિ અને ફિલાન્થ્રોપિસ્ટ- નરેન્દ્ર ફિરોદિયા તેમજ સિરિયલ આંત્રપ્રેન્યોર અને ઈન્ડિયા નેટવર્કના ફાઉન્ડર- રાહુલ નાર્વેકરે સાથે મળીને ગુજરાતના પ્રથમ અને પોતાનું આગવું ઓટીટી પ્લેટફોર્મ લેટ્સફ્લિકસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

લેટ્સફ્લિકસની પ્રી-લોન્ચ ઈવેન્ટ મંગળવારે તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈનમાં યોજાઈ હતી. કીર્તિદાન ગઢવી, અરવિંદ વેગડા, દેવાંગ પટેલ, આર્જવ ત્રિવેદી, મૌલિક નાયક જેવા મનોરંજન ઉદ્યોગજગતનાં મહાનુભાવો અને અન્ય વિવિધ અગ્રણીઓએ આ સેલિબ્રેશનમાં ઉપસ્થિત રહીને પ્રસંગને શોભાવ્યો હતો.

આ પ્રસંગે બોલતાં, પ્રમોટર મિસ. દ્રુમી ભટ્ટે કહ્યું હતું, 'ગુજરાતના પ્રથમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ લેટ્સફ્લિકસને લોન્ચ કરતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. ગુજરાત પાસે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે અને તેણે મ્યુઝિક તેમજ થિયેટર જગતમાં ઘણાં અગ્રીમ હરોળનાં કલાકારોનું સર્જન કર્યું છે. અમે લેટ્સફ્લિકસ પ્લેટફોર્મ થકી ઉચ્ચ ગુણવત્તાવાળાં ગુજરાતી મનોરંજનને વિશ્વમાં વસતા તમામ ગુજરાતીભાષી વ્યકિત પાસે લઈ જવા માગીએ છીએ.

આ યુનિક પ્લેટફોર્મ ઓટીટી અંગે વાત કરતાં પ્રમોટર શ્રી રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, લેટ્સફ્લિકસ ગુજરાતી ભાષા ઉપરાંત આપણી કચ્છી અને કાઠિયાવાડી બોલીમાં પણ મનોરંજન ઓફર કરશે. તે ઉપરાંત સમગ્ર ગુજરાતના ખૂણેખૂણે જે ટેલેન્ટ પડેલી છે તેને પ્લેટફોર્મ પૂરું પાડશે. લેટ્સફ્લિકસ ગુજરાતીની કન્ટેન્ટ વૈવિધ્યપૂર્ણ રહેશે જેમાં શોર્ટ ફિલ્મો, બ્લોક બસ્ટર મૂવીસ, વેબ સિરિઝ, સ્ટેન્ડ અપ કોમેડીથી માંડીના ડાયરો અને ભવાઈનો સમાવેશ થાય છે. ઓરિજિનલ કન્ટેન્ટ સાથે તમામ ગુજરાતી દર્શકોના ટેસ્ટને અનુરૂપ વર્લ્ડ કલાસ પ્રોડકશન કવોલિટી સાથે આ મનોરંજન પૂરું પડાશે.

લેટ્સફ્લિકસ ચાર ભારતીય ભાષાઓ- મરાઠી, બાંગ્લા, ગુજરાતી અને ભોજપુરીમાં આગામી કેટલાક મહિનાઓમાં વર્લ્ડ કલાસ કવોલિટી કન્ટેન્ટ સાથે પ્રાદેશિક ઓટીટી માર્કેટ સ્ટ્રીમિંગ કેપ્ચર કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં તે કોન્ટેન્ટ રિસર્ચ અને બ્રાન્ડ સ્ટ્રેટેજી ફેઝમાં છે અને વિવિધ ભાષાઓમાં કન્ટેન્ટને એકત્ર અને સંકલિત કરવાનું કામ કરી રહ્યું છે. લેટ્સફ્લિકસ મનોરંજન જગતના તમામ લોકો સાથે કામ કરવા ઉત્સુક છે અને પાર્ટનરશીપ અને એલાયન્સ માટે સહુનો આમંત્રે છે.

(3:55 pm IST)