Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગુજરાતમાં રસીકરણ સેલ બનાવશે : નવી ૧૫૦ એમ્‍બ્‍યુલન્‍સ ખરીદાશે

મોરબીની નવી મેડીકલ કોલેજ માટે ૫૦ કરોડની જોગવાઇ : ૨૦ નવી હોસ્‍પિટલોમાં ડે કેર પંચકર્મ સારવાર કેન્‍દ્ર

ગાંધીનગર તા. ૩ : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્‍વ હેઠળ અમારા કોરગૃપના માધ્‍યમથી ગુજરાત રાજયમાં કોવિડ મહામારી દરમ્‍યાન કરેલ અભૂતપૂર્વ કામગીરીની હું પુનઃ એકવાર આ સન્‍માનનીય સભાગૃહને યાદ અપાવું છું. રાજયમાં ૯૨૩૧ પેટા આરોગ્‍ય કેન્‍દ્રો, ૧૪૭૭ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, ૩૨૧ શહેરી આરોગ્‍ય કેન્‍દ્રો અને ૩૪૮ સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રો દ્વારા આરોગ્‍ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્‍ય ક્ષેત્ર વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્‍ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે. તેમ શ્રી નીતિન પટેલે જણાવ્‍યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના અને રાજય સરકારની મુખ્‍યમંત્રી મા-વાત્‍સલ્‍ય યોજના ગરીબ અને મધ્‍યમ વર્ગના પરીવારો માટે ખૂબજ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામુલ્‍યે આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઇ રૂા. ૧૧૦૬ કરોડ  રાજ્‍યમાં ઓછા વજન સાથે જન્‍મતા બાળકોને વિનામૂલ્‍યે સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-૩ માટે રૂા. ૧૪૫ કરોડની જોગવાઇ.

નવી સિવિલ હોસ્‍પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂા. ૮૭ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂા. ૬૬ કરોડની જોગવાઇ.

ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્‍પિટલોને અપગ્રેડ કરવા માટે શ્રૂા. ૫૦ કરોડની જોગવાઇ.

ખૂબ જ લોકપ્રિય અને ઉપયોગી બનેલ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સર્વિસમાં હાલ ૬૨૨ એમ્‍બ્‍યુલન્‍સ વાન કાર્યરત છે. નવી ૧૫૦ એમ્‍બ્‍યુલન્‍સ વાન સેવારત કરવા રૂા. ૩૦ કરોડની જોગવાઇ. સુરત ખાતે કિડની હોસ્‍પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્‍ધ કરાવવા રૂા. ૨૫ કરોડની જોગવાઇ.

રસીકરણની કામગીરી સુચારૂરૂપથી કરવા માટે રાજ્‍યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેકસીન સ્‍ટોરના બાંધકામ માટે રૂા. ૩ કરોડની જોગવાઇ ૨૦ સિવિલ હોસ્‍પિટલો ખાતે આયુર્વેદીક પધ્‍ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્‍ટર શરૂ કરવામાં આવશે.

(3:35 pm IST)